<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

ટંકારામાં ડમ્પર ચાલકોની દાદાગીરી અને બેદરકારી પરાકાષ્ઠાએ : ભીની રેતીના રેગાળા વહાવતા વાહનોથી વાહનચાલકોના જીવ જોખમમાં: જુઓ વિડીયો

લતીપર ચોકડી પાસે નિયમોને ઘોળીને પી જતા ડમ્પરનો વિડિયો વાયરલ : પોલીસ સ્ટેશન સામેથી જ ઢાંક્યા વગરના જોખમી વાહનો પસાર થતા હોવા છતાં તંત્ર મૌન! : લપસણા રસ્તાને કારણે ટુ-વ્હીલર સવારો પર અકસ્માતનું તોળાતું જોખમ

જયેશ ભટાસણા દ્વારા, ટંકારા : ટંકારા શહેરમાં રેતી ભરેલા ડમ્પરોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા આ ભારે વાહનો હવે સામાન્ય જનતા માટે જીવતું જોખમ બની ગયા છે. સરકારી નિયમો મુજબ રેતી ભરેલા વાહનોને તાડપત્રીથી ઢાંકવા અનિવાર્ય હોવા છતાં, ટંકારામાં આ નિયમોના સરેઆમ લીરેલીરા ઉડાડવામાં આવી રહ્યા છે.
લતીપર ચોકડી પાસે ભયાનક સ્થિતિ
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયો છે, જેમાં શહેરની વ્યસ્ત એવી લતીપર ચોકડી પાસેથી પસાર થતા એક ડમ્પરની પાછળથી રેતી મિશ્રિત પાણીના રેગાળા સતત રસ્તા પર વેરાતા જોવા મળે છે. આ ભીની રેતી અને કાદવને કારણે રસ્તો અત્યંત લપસણો બની રહ્યો છે. જો પાછળ આવતા કોઈ ટુ-વ્હીલર સવાર પર આ ગંદકી પડે અથવા લપસણા રસ્તાને કારણે વાહન સ્લીપ થઈ જાય, તો ગંભીર જાનહાનિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.
તંત્રની ભૂમિકા સામે સવાલો
સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે, આ ડમ્પરો પોલીસ સ્ટેશનની બિલકુલ સામેથી ખુલ્લેઆમ પસાર થાય છે. સરકારના સ્પષ્ટ આદેશો હોવા છતાં, પોલીસ કે આર.ટી.ઓ. (RTO) તંત્ર દ્વારા આ ડમ્પર ચાલકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા જાગી છે કે શું આ જોખમી વાહનો તંત્રને દેખાતા નથી કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? પોલીસ સ્ટેશન સામેથી 'મિસ્ટર ઈન્ડિયા' બનીને પસાર થતા આ ડમ્પરો તંત્રની નિષ્ક્રિયતાની ચાડી ખાઈ રહ્યા છે.
લોકમાંગ: કડક કાર્યવાહી અનિવાર્ય
ટંકારાના સ્થાનિક રહિશો અને વાહનચાલકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે કોઈ નિર્દોષ નાગરિક આ બેદરકારીનો ભોગ બને તે પહેલાં પોલીસ અને આર.ટી.ઓ. વિભાગ સક્રિય થાય. ભારે વાહનો દ્વારા ફેલાવવામાં આવતી ગંદકી અને જીવલેણ જોખમ સામે કાયદાકીય શસ્ત્ર ઉગામીને કડક દંડ અને જપ્તી જેવી કાર્યવાહી કરવામાં આવે તેવી તાતી જરૂરિયાત ઉભી થઈ છે.
માત્ર સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થવા પૂરતો આ સીમિત ન રહેતા, ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર જાગશે ખરા? તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે.

(7:40 PM IST)