<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

જૂનાગઢમાં એસીબીની ભ્રષ્ટાચારીઓ સામે સર્જિકલ સ્ટ્રાઈક : મેંદરડાના TDO તુષાર રાદડીયા 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ACB વડા પિયુષ પટેલ, અધિક નિયામક બિપીન આહિરેના સીધા માર્ગદર્શન હેઠળ અને નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા અને મદદનીશ નિયામક જૂનાગઢ એકમના એમ.પી. સોલંકીના સુપરવિઝન હેઠળ જૂનાગઢ ACB PI બી.જે. કરમુર ટીમ ત્રાટકતા સન્નાટો : ATVT ના કામો માટે 1.65 લાખની લાંચ માંગનાર અધિકારી કચેરીમાંથી જ દબોચાયા

રાજકોટ : ગુજરાત ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ આદરેલી ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મેંદરડા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-2 ના ઉચ્ચ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી (TDO) તુષાર વિઠ્ઠલભાઈ રાદડીયા લાંચ લેતા પકડાઈ જતાં સમગ્ર જિલ્લાના સરકારી આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે.
સમગ્ર ઘટના અને લાંચની માંગણી
આ કેસની વિગત એવી છે કે, એક જાગૃત નાગરિકના ગામમાં એટીવીટી (ATVT) યોજના હેઠળના વિકાસના કામો મંજૂર થયા હતા. આ કામોના વર્ક ઓર્ડર કાઢી આપવા માટે અને અગાઉ થયેલા કામોના વહીવટના અવેજ પેટે TDO તુષાર વિઠ્ઠલભાઈ રાદડીયાએ કુલ 1,65,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. આરોપીએ ફરિયાદીને દબાણ કર્યું હતું કે કુલ રકમ પૈકીના અડધા નાણાં એટલે કે 80,000 રૂપિયા તાત્કાલિક આપી જવા.
ફરિયાદી ભ્રષ્ટાચારનો ભોગ બનવા માંગતા ન હોવાથી તેમણે જૂનાગઢ એસીબીનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદના આધારે એસીબીની ટીમે તારીખ 02/02/2026 ના રોજ મેંદરડા તાલુકા પંચાયત કચેરીમાં જ છટકું ગોઠવ્યું હતું.
ઓફિસમાં જ લાંચ લેતા રંગેહાથ પકડાયા
આયોજનબદ્ધ રીતે ગોઠવાયેલા છટકા દરમિયાન, જ્યારે ફરિયાદી પાસેથી આરોપી તુષાર રાદડીયાએ લાંચના પ્રથમ હપ્તા પેટે 80,000 રૂપિયા પંચોની રૂબરૂમાં સ્વીકાર્યા, ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ દબોચી લીધા હતા. એસીબીએ લાંચની સ્વીકારેલી તમામ રકમ સ્થળ પરથી જ કબજે કરી લીધી છે.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં સફળ ઓપરેશન
એસીબી વડા પિયુષ પટેલ અને અધિક નિયામક બિપીન આહિરેના સીધા માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ ટ્રેપમાં રાજકોટ એસીબીના નાયબ નિયામક અને ઇન્ચાર્જ અધિકારી બલદેવસિંહ વાઘેલા તેમજ જૂનાગઢ એકમના મદદનીશ નિયામક એમ.પી. સોલંકીના સુપરવિઝન હેઠળ જૂનાગઢ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી. કરમુર અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
હાલ એસીબી દ્વારા આરોપી TDO તુષાર રાદડીયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(8:49 PM IST)