<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ધોર બેદરકારી: ટંકારાના નેસડા ખાનપર PHC ખાતે રાષ્ટ્રીય ધ્વજ ઉલટો ફરકાવી તિરંગાનું અપમાન કરાયું

સરકારી સંસ્થા દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ઉલટો ફરકાવવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ : ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા

ટંકારા :દેશની શાન ગણાતા રાષ્ટ્રીય ધ્વજ 'તિરંગા' પ્રત્યે આદર રાખવો એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે, પરંતુ ટંકારા તાલુકાના નેસડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં સરકારી સંસ્થા દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ઉલટો ફરકાવવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, નેસડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગ પર ફરકાવવામાં આવેલો રાષ્ટ્રીય ધ્વજ ઉલટો (કેસરી રંગ નીચે અને લીલો રંગ ઉપર) જોવા મળ્યો હતો. સરકારી કચેરી હોવા છતાં જવાબદાર કર્મચારીઓ કે અધિકારીઓનું ધ્યાન આ ગંભીર ભૂલ પર ન જવું તે આશ્ચર્યજનક છે. જાગૃત નાગરિકો દ્વારા આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા.
ભારતીય ધ્વજ સંહિતા ૨૦૦૨ મુજબ, રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવું એ કાયદાકીય ગુનો છે રાષ્ટ્રીય ધ્વજ હંમેશા કેસરી રંગ ઉપર રહે તે રીતે જ ફરકાવવો જોઈએ. ધ્વજને જાણીજોઈને ઉલટો ફરકાવવો, જમીન પર અડાડવો કે ફાટેલી હાલતમાં રાખવો એ 'Prevention of Insults to National Honour Act, 1971' હેઠળ સજાપાત્ર ગુનો છે. જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરે છે, તો તેને ૩ વર્ષ સુધીની જેલની સજા અથવા દંડ અથવા બંને થઈ શકે છે.
આ ગંભીર બેદરકારીને પગલે લોકોમાં એવી માંગ ઉઠી રહી છે કે માત્ર 'ભૂલ' કહીને આ બાબતને જતી ન કરવી જોઈએ. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારી (TDO) આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપે. જે તે સમયે ફરજ પર હાજર કર્મચારી કે જેને ધ્વજ ફરકાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી, તેની સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. ભવિષ્યમાં રાષ્ટ્રીય પ્રતિકો પ્રત્યે આવી બેદરકારી ન દાખવાય તે માટે જવાબદારો વિરુદ્ધ ખાતાકીય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ છે.

(11:39 PM IST)