News of Wednesday, 4th February 2026
ગોંડલના મોવિયામાં જગદગુરૂ પૂ.રામભદ્રાચાર્યજીની કથામાં ઉમટતા ભાવિકોઃ ભકિતનો મહાસાગર

ગોંડલ, તા..૪: ગોંડલ તાલુકાનું મોવિયા ગામ આજે રામમય બન્યું છે. એટલે કે ૧ ફેબ્રુઆરીથી ૯ ફેબ્રુઆરી દરમિયાન અહીં પદ્મવિભૂષણ જગદગુરુ રામભદ્રાચાર્યજી મહારાજના મુખારવિંદે ભવ્ય ‘શ્રી રામકથા'નું આયોજન કરવામાં આવ્યું છે.
ગોંડલના મોવિયામાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. આજે બપોરે ૨:૦૦ કલાકે હરદત્તપરી બાપુના મંદિરેથી ભવ્ય પોથીયાત્રાનો પ્રારંભ થયો હતો. આ શોભાયાત્રા પંચાયત ચોક, સદાવ્રત મંદિર અને રામજી મંદિર (ચોરે) થઈને કથા સ્થળે પહોંચી હતી. સમગ્ર મોવિયા ગામકેસરિયા રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. યુવાનો, ભાઈઓ અને બહેનો ચોક્કસ ડ્રેસ કોડમાં સજ્જ થઈને જોડાયા હતા, જે શિસ્ત અને સમર્પણના દર્શન કરાવતા હતા. પોથીયાત્રાના માર્ગ પર ગ્રામજનો દ્વારા કંકુ-ચોખાના સાથિયા અને સુંદર રંગોળીઓ કરવામાં આવી હતી. ઠેર-ઠેર ફૂલવર્ષા અને આકાશમાં ઉડતા રંગબેરંગી મમરાઓએ વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. રસ્તામાં આવતા ભક્તો માટે ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે ગ્રામજનોની અતિથિ દેવો ભવની ભાવના દર્શાવે છે. વ્યાસપીઠ પર સ્વયં તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજ બિરાજમાન થયા છે. તેમને સાંભળવા માટે માત્ર મોવિયા જ નહીં પણ આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે.
મોવિયા ગામમાં‘બીજી દિવાળી'જેવો માહોલ છે. જય શ્રી રામના નારા સાથે આખું ગામ ભક્તિના રંગમાં તરબોળ થયું છે. આગામી ૯ દિવસ સુધી અહીં રામચરિત માનસની ગંગા વહી રહી છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
