<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

પોરબંદર જુના બંદરમાં રેતીના નિકાલ માટે કાયમી ડ્રેજીંગ કરવા માંગણી

રેતીના ભરાવાને લીધે બોટની આવનજાવનમાં ભારે મુશ્‍કેલીઃ માચ્‍છીમાર બોટ એસોસિએશનની મીટીંગમાં તંત્ર સામે રોષ

પોરબંદર, તા. ૪: જુના બંદર અસ્‍માવતી ઘાટ પાસે વારંવાર રેતીના ભરાવાથી બોટને કાંઠે લાવવામાં અને દરિયામાં લઇ જવામાં ભારે મુશ્‍કેલી પડે છે. આ પ્રશ્ન ઉકેલવા રેતી નિકાલ માટે કાયમી ધોરણે ડ્રેજીંગ કામગીરી કરવાની માંગણી માછીમાર બોડની મીટીંગમાં કરવામાં આવી હતી.

સમસ્‍ત ખારવા સમાજ વાણોટશ્રી પવનભાઈ શિયાળ ના અધ્‍યક્ષ સ્‍થાને શ્રી  માચ્‍છીમાર બોટ એસોસીએશનની મીટીંગ રાખવામાં આવેલ હતી. જેમા ખારવા સમાજનાં તથા માચ્‍છીમારોનાં આગેવાનો સહિત વિશાળ સંખ્‍યામાં માચ્‍છીમારોનો જનસમૂહ હાજર રહ્યો હતો.

આ મીટીંગમાં માંગણી કરવામાં આવી હતી કે અસ્‍માવતીધાટ પાસે આવેલ બોટોને આવન જાવન માટેની મુખ્‍ય ચેનલમાં રેતી ભરાવવાનાં કારણે જે બોટો ૨૪ કલાક આવન જાવન થવી જોઈએ તેમની જગ્‍યાએ માત્ર ૦૨ થી ૦૪ કલાક સમય હાઈટાઈડ દરમીયાન મળતા બોટોને પોરબંદર જેટીની સામે ખુલ્લા સમુદ્રમાં એન્‍કર પોઈન્‍ટ ઉપર ફરજીયાત રહેવું પડે છે. આ તમામ બોટો ઐકી સાથે માત્ર હાઈટાઈડ (ભરતીના સમય) દરમીયાન બંદરની અંદર પ્રવેશ થતા બંદરની અંદર બોટોનો ઐકી સાથે ભરાવો થાય છે. તેમના કારણે મચ્‍છીનાં વેંચાણ ભાવ નીંચા થઈ જવાથી આશરે એક બોટ દીઠ વાર્ષિક અઢીથી ત્રણ લાખ રૂપિયાનું નુકશાન પુરી માછીમારીની સીઝન દરમીયાન થાય છે.

બંદરમાં ૪૫૦૦ નાની મોટી બોટોની નુકશાનની ગણતરી કરવા જતા આશરે ૬૦ થી ૭૦ કરોડ જેટલુ આર્થિક નુકશાન થાય છે અત્‍યંત ટુંકા સમયમાં માત્ર હાઈટાઈડનાં સમયમાં આવન જાવન કરનારી બોટોનું ઐકી સાથે બંદરની અંદર મુવમેન્‍ટ થવાના કારણે અનેક અકસ્‍માતો પણ સર્જાય છે તેમજ બંદરની અંદર પ્રાથમિક સુવિધાઓ જેવી કે લાઈટ, શૌચાલય, ફાયર સેફટી, સફાઈ, પીવાનું પાણી વગેરેની સુવિધા નથી.

આ પ્રશ્ને સરકારશ્રીમાં અનેક વખત રજુઆતો કરવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ ન આવતા માછીમારોની અગત્‍યની મીટીંગ રાખેલ હતી અને આવતા દિવસોમાં સરકારશ્રીમાં આ બાબતે લેખીત, મૌખીક તેમજ રૂબરૂ રજુઆતો કરવી અને વહેલામાં વહેલીતકે ગુજરાત સરકારશ્રી દ્વારા નિરાકરણ કરવામાં આવે અને માછીમારો આર્થિક નુકશાની માંથી બચી શકે તે માટે બંદરમાં અસ્‍માવતીઘાટ પાસે બોટોને આવન જાવનની મુખ્‍ય ચેનલમાં રેતીનો ભરાવો દુર કરવામં આવે અને આ જગ્‍યા ઉપર કાયમી ધોરણે ડ્રેજીંગ થાયતેવી માછીમારો દ્રારા માંગ ઉઠેલ હતી.

આ મીટીંગમાં શ્રી સમસ્‍ત ખારવા સમાજ વાણોટશ્રી પવનભાઈ શિયાળ તેમજ પંચ પટેલો-ટ્રસ્‍ટીશ્રીઓ, માચ્‍છીમાર બોટ એસોસીએશન પ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઉપ પ્રમુખ ધર્મેશભાઈ ગોહેલ તેમજ કમિટિ સભ્‍યશ્રીઓ, માચ્‍છીમાર પીલાણા એસોસીએશન પ્રમુખ નિલેષભાઈ વાંદરીયા તેમજ કમિટિ સભ્‍યશ્રીઓ, સુભાષનગર વણાંકબારા ખારવા જ્ઞાતિનાં આગેવાનશ્રીઓ, નવીબંદર ખારવા સમાજનાં આગેવાનશ્રીઓ, ફિશ સપ્‍લાયર્સ એસોસીએશન પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ તેમજ કમિટિ સભ્‍યો, ફ્રેશ ફિશ એસોસીએશન પ્રમુખ ભીખુભાઈ લોઢારી તેમજ કમિટિ સભ્‍યો, ખારવા સમાજ પુર્વ વાણોટ સુનિલભાઈ ગોહેલ, બોટ એસોસીએશન પુર્વ પ્રમુખ નરશીભાઈ જુંગી તેમજ બહોળી સંખ્‍યામાં બોટ/પીલાણા માલિકો તથા માછીમારી વ્‍યવસાયને લગતા ધંધાર્થીઓ ઉપસ્‍થિત રહ્યાં હતા.(૬.૭)

પરેશ પારેખ

પોરબંદર

(1:26 PM IST)