તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Thursday, 5th February 2026
સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટનો અતિરેક ખતરાની ઘંટડી
રામદેવભાઇ મોઢવાડીયા હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-પોરબંદર

પોરબંદર : આધુનિક યુગ ટેક્રોલોજીનો યુગ છે.સ્માર્ટફોન, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા આજે આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયા છે. માહિતી, શિક્ષણ, મનોરંજન અને સંવાદ માટે ડિજિટલ સાધનો અત્યંત ઉપયોગી સાબિત થયા છે.પરંતુ આ જ ટેક્રોલોજીનો અતિરેક ઉપયોગ હવે સમાજ માટે એક મોટો ખતરો બની રહ્યો છે.ખાસ કરીને બાળકો અને કિશોરોમાં વધતી ડિજિટલ લત દેશના ભવિષ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે.
ભારતના તાજેતરના ઇકોનોમિક સર્વેમાં આ પરિસ્થિતિને ‘સાયલન્ટ ઈમરજન્સી' તરીકે વર્ણવવામાં આવી છે. ‘સાયલન્ટ' એટલે શાંતિથી ફેલાતી અને ‘ઈમરજન્સી' એટલે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાત.આ સમસ્યા ધીમે ધીમે બાળકોના મન અને જીવન પર કબજો જમાવી રહી છે અને તેની અસર સમાજ અને દેશ બંને માટે ચેતવણીરૂપ છે.
એક સમય હતો જ્યારે બાળકો ગલીઓમાં રમતા, મિત્રો સાથે હસતા-રમતા અને કુદરત સાથે જોડાયેલા રહેતા.આજે એ દ્રશ્ય બદલાઈ ગયું છે.બાળકોના હાથમાં બેટ-બોલ કે દોરી નહીં, પણ મોબાઈલ ફોન જોવા મળે છે.સોશિયલ મીડિયાના ‘ફોલોઅર્સ' હવે તેમના ‘મિત્રો' બની ગયા છે. વર્ચ્યુઅલ દુનિયા તેમની વાસ્તવિક દુનિયાને પાછળ મૂકી રહી છે. ઓનલાઇન ગેમ્સ, વીડિયો, રીલ્સ અને ચેટિંગમાં કલાકો સુધી ડૂબી જવું હવે સામાન્ય બાબત બની ગઈ છે.બાળકો સતત ફોન ચેક કરે છે - નવો મેસેજ આવ્યો કે નહીં, કોઈ લાઈક કર્યું કે નહીં, કોઈ કોમેન્ટ આવી કે નહીં. આ સતત નોટિફિકેશનની આદત તેમના મગજને ‘ડોપામિન હિટ' આપે છે, જેના કારણે તેઓ ફરી ફરી ફોન તરફ આકર્ષાય છે. આ જ ડિજિટલ લતનું મૂળ છે.
મોબાઈલનો અતિરેક ઉપયોગ બાળકોના ધ્યાન પર સીધી અસર કરે છે.અભ્યાસ કરતી વખતે પણ તેઓ વારંવાર ફોન ચેક કરે છે, જેના કારણે એકાગ્રતા ભંગ થાય છે.પરિણામે શૈક્ષણિક પ્રદર્શન ઘટે છે.વિજ્ઞાનીઓ જણાવે છે કે લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહેતા બાળકોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટે છે,યાદશક્તિ નબળી પડે છે, ઊંઘની સમસ્યા,ચિંતા, ડિપ્રેશન,ધીરજનો અભાવ,ગુસ્સો અને ચીડિયાપણું જેવી સમસ્યાઓ વધે છે. આજના બાળકો પહેલાની પેઢીની સરખામણીમાં વધુ ઉતાવળા અને અસ્થિર બનતા જાય છે.નાની નાની બાબતમાં ગુસ્સે થઈ જવું, માતા-પિતાની વાત ન સાંભળવી, સામાજિક સંબંધોથી દૂર રહેવું - આ બધું ડિજિટલ લતના લક્ષણો છે.
ડિજિટલ લત માત્ર માનસિક જ નહીં, શારીરિક નુકસાન પણ કરે છે.બાળકો કલાકો સુધી બેઠા રહેવાના કારણે સ્થૂળતા,આંખોની સમસ્યા,ગળા અને પીઠનો દુખાવો,ઊંઘની અછત,ફિટનેસમાં ઘટાડો,સાથે જ જંક ફૂડ અને ફાસ્ટ ફૂડની આદતથી શરીર નબળું પડે છે. એટલે બાળકો પર ‘બેવડો માર' પડે છે,એક તરફ શારીરિક નબળાઈ અને બીજી તરફ માનસિક અસ્થિરતા.
બાળકો આજના વિદ્યાર્થીઓ છે અને આવતીકાલના નાગરિકો છે. જો તેઓ શારીરિક અને માનસિક રીતે નબળા બનશે, તો શું તેઓ દેશના સારા નાગરિક, જવાબદાર કર્મચારી કે સારા જીવનસાથી બની શકશે? માનસિક રીતે અસ્થિર અને અસ્વસ્થ પેઢી દેશ માટે સંપત્તિ નહીં, પરંતુ આર્થિક બોજ બની શકે છે.દેશના વિકાસ માટે સ્વસ્થ, સજાગ અને જવાબદાર યુવાનો જરૂરી છે. ડિજિટલ લત આ પાયા પર જ પ્રહાર કરે છે
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
