<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

હાલારમાં પીજીવીસીએલની લાલ આંખ : ૧૦ નગરપાલિકાઓ પાસે ૫.૧૫ કરોડનું વીજ લેણું બાકી : ખંભાળિયા સૌથી મોખરે..

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૬: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ (PGVCL) દ્વારા બાકી વીજ લેણાંની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જામનગર વીજ વર્તુળ કચેરી હેઠળ આવતી હાલારની ૧૦ નગરપાલિકાઓ પાસે સ્‍ટ્રીટ લાઈટ અને વોટર વર્ક્‍સના જોડાણો પેટે કુલ રૂા. ૫૧૫.૩૨ લાખનું માતબર લેણું બાકી હોવાનું સત્તાવાર રીતે સામે આવ્‍યું છે. ૩૧મી ડિસેમ્‍બરની સ્‍થિતિએ જાહેર થયેલા આ આંકડાઓમાં સૌથી વધુ ૧૬૯.૦૭ લાખનું લેણું એકલી ખંભાળિયા નગરપાલિકાનું બાકી છે.

વીજ તંત્ર દ્વારા બાકી નાણાની વસૂલાત માટે હાલમાં ૧૨૦ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. આ ટીમો દ્વારા જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરી અત્‍યાર સુધીમાં ૨૩,૦૩૯ બાકીદારો પાસેથી રૂા. ૧૧.૦૬ કરોડની વસૂલાત કરવામાં આવી છે. જોકે, કડક કાર્યવાહીના ભાગરૂપે જે ગ્રાહકોએ લાંબા સમયથી બિલ ભરપાઈ નથી કર્યા, તેવા ૪૬૨ વીજ કનેક્‍શનધારકોના જોડાણ કાપી નાખવામાં આવ્‍યા છે, જેમની પાસે કુલ રૂા. ૧.૧૨ કરોડનું લેણું હતું. હજુ પણ સમગ્ર હાલાર પંથકમાં અંદાજે ૯૦,૫૭૯ જેટલા બાકીદારો પાસેથી કુલ રૂા. ૩૯.૪૦ કરોડની વસૂલાત કરવાની બાકી હોવાથી તંત્રએ કામગીરી તેજ બનાવી છે.

નગરપાલિકાઓની વિગતવાર વાત કરીએ તો, ખંભાળિયા પાલિકામાં સ્‍ટ્રીટ લાઈટના રૂા. ૩.૬૩ લાખ અને વોટર વર્ક્‍સના રૂા. ૧૬૫.૪૩ લાખ બાકી છે. આ ઉપરાંત સિક્કા પાલિકા પાસે કુલ રૂા. ૯૧.૪૩ લાખ, સલાયા પાસે રૂા. ૬૧.૮૩ લાખ, અને જામરાવલ પાલિકા પાસે રૂા. ૨૮.૧૭ લાખનું લેણું નીકળે છે. અન્‍ય પાલિકાઓમાં ભાણવડ (૭.૪૫ લાખ), કાલાવડ (૪.૨૮ લાખ), જામજોધપુર (૩.૭૪ લાખ), દ્વારકા (૧.૫૭ લાખ) અને ધ્રોલ પાલિકાનું નજીવું લેણું બાકી છે. પીજીવીસીએલની આ કડક કાર્યવાહીને જોતા આગામી દિવસોમાં જો પાલિકાઓ દ્વારા લેણું ચૂકવવામાં નહીં આવે, તો જાહેર સુવિધાઓના વીજ જોડાણો પર કાપ મુકાઈ શકે તેવી શકયતા સેવાઈ રહી છે

(1:29 PM IST)