<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

કોડીનાર શહેર કોંગ્રેસ પ્રમુખનું ફોર્મ નંબર ૭ ભરનાર સામે કાર્યવાહી કરવા પોલીસમાં રજૂઆત

કોડીનારમાં ૪૭ લોકોએ ૬૭૨૨ મતદારો સામે વાંધા અરજીઓ કરી ફોર્મ નંબર ૭ ભરી દેતા મુસ્‍લિમ સમાજમાં દેકારો

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.૭: કોડીનાર કોંગ્રેસ શહેર પ્રમુખ અને બે બે વખત નગરપાલિકા ચૂંટણી લડનાર મેહદીહસન સૈયદમેહમુદ નકવીનું ફોર્મ નંબર ૭ ભરાતા આ અંગે મેહદીહસનએ પોલીસમાં અરજી પાઠવી તેમના નામનું ફોર્મ નંબર ૭ ભરનાર ઇસમ સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે.

વિગત મુજબ કોડીનાર વિધાનસભા માં ૪૭ જેટલા શખ્‍સો એ મુસ્‍લિમ સમાજને ટાર્ગેટ કરી ૬૭૨૨ મતદારોના ફોર્મ નંબર ૭ ભરી દેતા કોડીનાર મુસ્‍લિમ સમાજમાં દેકારો મચી જતા અને તેમાં કોડીનાર શહેર કોંગ્રેસ પ્રમુખ અને ભૂતકાળ માં બે બે વખત નગરપાલિકા ની ચૂંટણી લડનાર મેહદીહસન નકવીનું પણ ફોર્મ નંબર ૭ ભરાતા મેંહદી હસનએ આ અંગે તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા નકવીએ આ અંગે કોડીનાર પોલીસ સ્‍ટેશનમાં અરજી આપી તેમના નામનું ફોર્મ નંબર ૭ ભરનાર બ્રિજેશકુમાર વજુભાઈ જેઠવા રહે.ડોળાસા એ કોડીનાર વિધાનસભામાં આવતા મતદાન મથકોમાં જાણી જોઈને પૂર્વ આયોજન સાથે ખોટી રીતે ૩૧૭ જેટલી વાંધા અરજીઓ કરી ફોર્મ નંબર ૭ ભર્યા હોવાનું અને આ ફોર્મ મતદારો ની સંમતિ વિના ખોટી માહિતી સાથે ગેરકાયદેસર રીતે ભરી કાયદેસર મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનો અને તેમના મતદાનના બંધારણીય અધિકારો થી વંચિત કરવા અને લોકશાહી પ્રકિયાને નુકશાન પહોંચાડવાનો કળત્‍ય કરી છેતરપિંડી કરી ગંભીર ગુનો કર્યો હોય આરોપી બ્રિજેશકુમાર વજુભાઈ જેઠવા વિરુદ્ધ યોગ્‍ય કલમો હેઠળ FIR નોંધી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી

(11:30 AM IST)