<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

પાણી પુરવઠાના ટેન્‍કરની અડફેટે સેડલા ગામના બાઈક ચાલકનું કરૂણ મોત

પાટડી-બજાણા રોડ પર ગમખ્‍વાર અકસ્‍માત : રણમાં પાણી પહોંચાડતા ટ્રેલર ચાલકે અકસ્‍માત સર્જી વાહન મૂકી પલાયન

વઢવાણ તા.૭: પાટડી અને બજાણા વચ્‍ચેના મુખ્‍ય રોડ પર આજે એક અત્‍યંત દુઃખદ ઘટના બની હતી, જેમાં એક બાઈક ચાલકે જીવ ગુમાવ્‍યો છે.

પુરપાટ વેગે આવી રહેલા એક ટ્રેલરના ચાલકે બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્‍માતમાં સેડલા ગામના વતની અતુલ ગેડિયા નામના વ્‍યક્‍તિનું કમકમાટીભર્યું મોત નીપજ્‍યું હતું. અકસ્‍માત સર્જનારૂ આ ટ્રેલર પાણી પુરવઠા વિભાગ અંતર્ગત રણ વિસ્‍તારમાં પાણી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતું હતું.

અકસ્‍માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલકને બચવાની કોઈ તક મળી ન હતી. અકસ્‍માત સર્જ્‍યા બાદ ટ્રેલરનો ચાલક માનવતા દાખવવાને બદલે ગભરાઈ ગયો હતો અને પોતાનું વાહન (ટ્રેલર) ઘટનાસ્‍થળે જ રેઢું મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્‍યા હતા અને મળતકના પરિવારજનોને જાણ કરવામાં આવતા સમગ્ર સેડલા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

બનાવની જાણ થતાં જ સ્‍થાનિક પોલીસ કાફલો તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી ગયો હતો. પોલીસે મળતક અતુલ ગેડિયાના દેહને પોસ્‍ટમોર્ટમ (PM) અર્થે પાટડીની સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડ્‍યો હતો. હાલમાં પોલીસે અકસ્‍માત સર્જીને નાસી છૂટેલા ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, તેને ઝડપી પાડવા માટે કાયદેસરની વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

(11:32 AM IST)