News of Saturday, 7th February 2026
ધ્રોલ પોલીસે હજામચોરા પાસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી : ૫૧૯ બોટલ સાથે બે શખ્સોની ધરપકડ
આમરણ-ધ્રોલ નેશનલ હાઇવે પરથી ભાગવાનો પ્રયાસ કરતા બુટલેગરોને પોલીસે દબોચી લીધા : વર્ના કાર, મોબાઈલ અને દારૂ સહિત કુલ ૬.૩૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સંજય ડાંગર દ્વારા, ધ્રોલ : ધ્રોલ પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે હજામચોરા ગામ પાસે વોચ ગોઠવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે વર્ના કારમાં લઈ જવાતી ઇંગ્લીશ દારૂની નાની-મોટી ૫૧૯ બોટલો સાથે બે આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. ૬,૩૭,૭૨૫/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઘટનાની વિગત અને પોલીસ કાર્યવાહી:
ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. રાઠોડ દ્વારા પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢવા આપેલી સૂચના મુજબ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે આમરણ-ધ્રોલ નેશનલ હાઇવે તરફથી એક સફેદ રંગની વર્ના કારમાં દારૂનો જથ્થો હજામચોરા તરફ આવી રહ્યો છે. બાતમીવાળી કાર દેખાતા પોલીસે તેને અટકાવવાનો ઇશારો કર્યો હતો, પરંતુ કારચાલકે પોલીસને જોઈ કાર રીવર્સમાં લઈ યુ-ટર્ન મારી હાઈવે પર ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સતર્કતા દાખવી ફિલ્મી ઢબે પીછો કરી કારને આંતરી લીધી હતી.
મુદ્દામાલની વિગત:
પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નાની-મોટી કુલ ૫૧૯ બોટલ મળી આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં:
* વિદેશી દારૂની બોટલ નંગ-૫૧૯: કિંમત રૂ. ૩,૦૭,૭૨૫/-
* વર્ના કાર (નં. GJ-03-LB-1319): કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/-
* મોબાઇલ ફોન નંગ-૨: કિંમત રૂ. ૩૦,૦૦૦/-
આમ, કુલ રૂ. ૬,૩૭,૭૨૫/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓ:
પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની અટકાયત કરી છે:
૧. અબ્દુલભાઈ ઉર્ફે સોપારી અનવરભાઈ ભટ્ટી (ઉ.વ.૨૮), રહે. હાલ-સામખીયારી, તા. ભચાઉ, જી. ભુજ (કચ્છ).
૨. અરમાનભાઈ ઈકબાલભાઈ જુણેજા (ઉ.વ.૨૧), રહે. મોરબી.
આ બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એમ. કુભારવાડીયા, જયેશભાઈ દલસાણીયા, જતીનભાઈ ગોગરા, સંજયભાઈ મકવાણા અને ભગીરથસિંહ જાડેજા સહિતના સ્ટાફે બજાવી હતી.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
