<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

મહાશિવરાત્રીના મેળામાં વન વિભાગ વન વિસ્તારના સંરક્ષણ અને ભાવિકોની સુરક્ષા માટે સજજ : ભાવિકોની સુરક્ષા માટે ચાર ટ્રેકર્સ પાર્ટી તૈનાત રહેશે

વન વિભાગના કર્મચારીઓને વાયરલેસ સેટ- વોકટોકીની સુવિધા સાથે ફરજ સોંપઈ

જૂનાગઢ :ગરવા ગિરનારની ગોદમાં ૧૧મી ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે વન વિભાગ વન્યજીવ અને વનવિસ્તારના ઉપરાંત ભાવિકોની સુરક્ષા સલામતી માટે પણ સજ્જ બન્યો છે.

આ વર્ષે રાજ્ય સરકારના પ્રયાસોથી મહાશિવરાત્રીનો મેળો મહામેળો બનવા જઈ રહ્યો છે, ત્યારે  લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવવાના શક્યતાઓને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.
મેળા દરમિયાન મુખ્ય કેન્ટ્રોલ રૂમ દતચોક ભવનાથ ખાતે તેમજ પાંચ જગ્યાએ રાવટી રાખવામાં આવી છે. વન્ય પ્રાણીઓ દ્વારા યાત્રાળુઓને ઇજા/નુકશાન ન થાય તે હેતુસર ચાર જગ્યાએ ટ્રેકર્સ પાર્ટી તેમજ અલગ અલગ જગ્યાએ વન્યપ્રાણી મિત્રો, સ્વયં સેવકો તેમજ રોજમદાર સ્ટાફને જરૂરી સાધન સામગ્રી સાથે તૈનાત રહેશે. દવ ના લાગે તેની તકેદારી માટે દવ રક્ષકોને રાખવામાં આવ્યા છે.
મેળા દરમ્યાન વન્યજીવ તથા વન વિસ્તારના સંરક્ષણ તેમજ યાત્રિકોની સુવિધા અને સલામતી માટે વન વિભાગના કર્મચારીઓને વાયરલેસ સેટ/ વોકટોકીની સુવિધા સાથે ફરજ સોંપવામાં આવી છે. મુખ્ય રાવટી તેમજ અભયારણ્યમાં અલગ અલગ જગ્યાએ જન જાગૃતિ અર્થે હોડિંગ્સ બેનર તથા નોટીસ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. તેમજ સુકુ સરપણ રાહત ભાવે વેચાણ/વિતરણની વ્યવસ્થા કરવામાં આવી  છે. મેળા દરમ્યાન રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ અન્ય શંકાસ્પદ જગ્યાઓ ઉપર વન વિભાગની ટીમ દ્વારા પોલીસ વિભાગ સાથે સંકલનમાં રહી શંકાસ્પદ ઇસમોની ચકાસણી કરવામાં આવે છે.
શિવરાત્રી મેળો પૂર્ણ થયા બાદ વન વિભાગ દ્વારા ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં ફેંકવામાં આવેલ પ્લાસ્ટીક તથા અન્ય કચરાની સાફ સફાઇની કામગીરી હાથ ધરવામાં આવશે.
શિવરાત્રી મેળા અન્વયે યાત્રિકોને વન વિભાગની કાયદાકીય જોગવાઈનો પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, ગિરનારમાં પ્લાસ્ટીક કે પ્લાસ્ટીકની બનાવટના ઉપયોગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ  છે. જેથી તેનું પાલન કરવું અનિવાર્ય છે. ઉપરાંત ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય વિસ્તાર હોય વન્યજીવોને નુકશાન કરવું/છંછેડવા / હથિયારો/સ્ફોટક પદાર્થો સાથે રાખવા, વગર પરવાનગીએ અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશ કરવો કે, વન્યપ્રાણીઓને ખલેલ થાય તેવા યંત્રોનો ઉપયોગ કરવા પણ કાયદાકીય પ્રતિબંધ છે. તેનું ઉલ્લંઘન કરનાર ઇસમો સામે ભા.વ.સ.અ.-૧૯૭૨ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
અન્ય કોઇ સુચના માટે લાયઝન અધિકારી અને મદદનીશ વન સંરક્ષક, જૂનાગઢ વન વિભાગ- જૂનાગઢનો મો. ૮૨૦૦૫ ૪૨૯૯૬ સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

 

(12:37 AM IST)