<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

ઉપલેટાના ખારચિયામાં દારૂના કેસમાં સમાધાન માટે ૫૦ હજારની ખંડણી મંગાતા યુવકનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ

જૂનાગઢના બે શખ્‍સોએ પોલીસમાં નામ આપ્‍યાનો ખાર રાખી યુવકને જાનથી મારવાની ધમકી આપીઃ પૈસા માટે બાઈક પડાવી લેનાર આરોપીઓ વિરુદ્ધ ભાયાવદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા.૯ :.. ઉપલેટા તાલુકાના ખારચીયા (શહીદ) ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દારૂના જૂના કેસમાં નામ આપવાના મનદુઃખમાં બે શખ્‍સોએ સતત ત્રાસ આપી ખંડણી માંગતા એક યુવકે કંટાળીને ફિનાઈલ પી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો છે.

ફરિયાદી રાહુલભાઈ ભીખુભાઇ પંચાસરા પર ત્રણ મહિના પહેલા દારૂનો કેસ થયો હતો. આ કેસમાં તેમણે દારૂ સપ્‍લાય કરનાર જૂનાગઢના ભીમો રબારીનું નામ પોલીસને આપ્‍યું હતું. આ બાબતની જાણ થતા ભીમો રબારી અને તેનો સાથીદાર કાનો રબારી ઉશ્‍કેરાઈ ગયા હતા. તેમણે રાહુલભાઈને ધમકાવવાનું શરૂ કર્યું કે, ‘તેં પોલીસમાં મારું નામ આપ્‍યું હોવાથી હવે કોર્ટનો ખર્ચ કાઢવા માટે તારે રૂ. ૫૦,૦૦૦ આપવા પડશે.'

આરોપીઓએ માત્ર ફોન પર જ નહીં પરંતુ ઘરે આવીને પણ આતંક મચાવ્‍યો હતો. બે મહિના પહેલા ભીમો રબારી રાહુલભાઈનું મોટરસાયકલ બળજબરીથી લઈ ગયો હતો અને પૈસા આપવાની ખાતરી બાદ જ પરત કર્યું હતું. આરોપીઓએ સતત ધમકી આપી હતી કે જો પૈસા નહીં મળે તો તેને જાનથી મારી નાખશે અથવા મોટા દારૂના કેસમાં ફસાવી દેશે.

આ અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને રાહુલભાઈએ ૫ ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું. હાલ તેમની સારવાર હોસ્‍પિટલમાં ચાલી રહી છે. આ મામલે ભાયાવદર પોલીસે ભારતીય ન્‍યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(1:18 PM IST)