ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
મહાશિવરાત્રી મેળા પૂર્વે કેટલાક શ્રમિકો જાહેરમાં નોન-વેજ બનાવતા ઝડપાતા ભારે હોબાળો: હિન્દૂ સંગઠનો લાલઘૂમ
ભવનાથ જવાના રસ્તા પર ગિરનાર દરવાજા પાસે બજરંગ દળના કાર્યકરોની રેડ :સમગ્ર મામલે પોલીસને જાણ કરી કડક કાર્યવાહીની માંગ કરી

જૂનાગઢ :ગિરનારની તળેટીમાં પરમ પવિત્ર ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ધાર્મિક લાગણી દુભાવતી ગંભીર ઘટના સામે આવી છે. ભવનાથ જવાના રસ્તા પર ગિરનાર દરવાજા પાસે કેટલાક શ્રમિકો જાહેરમાં નોન-વેજ (માંસાહાર) બનાવતા ઝડપાતા ભારે હોબાળો મચી ગયો હતો. બજરંગ દળના કાર્યકરોએ ઘટનાસ્થળે પહોંચી રેડ પાડી હતી અને સમગ્ર મામલે પોલીસને જાણ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.
મહાશિવરાત્રીના પવિત્ર મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર ભવનાથ ક્ષેત્ર ભક્તિમય વાતાવરણમાં ડૂબેલું છે. આ દરમિયાન ગિરનાર દરવાજા પાસે રાજસ્થાનથી ફુગ્ગા વેચવા આવેલા શ્રમિકો દ્વારા જાહેરમાં નોન-વેજ બનાવવામાં આવી રહ્યું હોવાની માહિતી હિન્દુ સંગઠનોને મળી હતી. માહિતી મળતા જ બજરંગ દળની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં શ્રમિકોને જાહેરમાં માંસાહાર રાંધતા જોઈને કાર્યકરો રોષે ભરાયા હતા અને હોબાળો શરૂ થયો હતો.
ઘટનાને પગલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બજરંગ દળના કાર્યકરોએ જણાવ્યું હતું કે, "ભવનાથ એ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. શિવરાત્રીના પવિત્ર મેળા પૂર્વે આવા પવિત્ર ક્ષેત્રમાં નોન-વેજ બનાવીને હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં." કાર્યકરોએ સ્થળ પર જ શ્રમિકોનો ઉધડો લીધો હતો અને 100 નંબર પર ડાયલ કરી પોલીસને ઘટનાની જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ જૂનાગઢ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સ્થિતિને પારખીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને નોન-વેજ બનાવતા શ્રમિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભવનાથ ક્ષેત્રમાં માંસાહાર અને નશાકારક દ્રવ્યો પર કડક પ્રતિબંધ હોવા છતાં, મેળાના સમયે બહારથી આવતા શ્રમિકો કે ફેરિયાઓ દ્વારા આવા કૃત્યો કરવામાં આવતા હોવાથી સ્થાનિકોમાં પણ રોષ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
