<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

ધ્રોલ નજીક ગમખ્‍વાર અકસ્‍માતઃ વૃદ્ધનું મોત, પત્‍ની ગંભીર, ચાલક ફરાર

લગ્નની ખુશી માતમમાં ફેરવાઈઃ સાઢુભાઈના પરિવારમાં લગ્નમાં જતાં ચૌહાણ દંપતીને કાળ નડયો, વળદ્ધનો પગ કપાઈ જતાં દમ તોડયો

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૯: ધ્રોલ જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક આજે વહેલી સવારે એક અત્‍યંત ગમખ્‍વાર અને હૃદયદ્રાવક અકસ્‍માત સર્જાયો હતો. આ ઘટનામાં જામનગરના એક વળદ્ધનું ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્‍યું છે, જ્‍યારે તેમના પત્‍ની ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયા છે.

ઘટનાની વિગતો મુજબ, જામનગરના ગુલાબનગર વિસ્‍તારમાં આવેલી સિન્‍ડિકેટ સોસાયટીમાં રહેતા દયાળજીભાઈ મકનભાઈ ચૌહાણ અને તેમના પત્‍ની ભગવતીબેન આજે તા. ૦૮/૦૨/૨૦૨૬ના રોજ સવારે ૬:૩૦ વાગ્‍યાની આસપાસ પોતાના એક્‍ટિવા (નંબર જીજે-૧૦-સીઆર-૦૯૬૪) પર સવાર થઈને સાઢુભાઈને ત્‍યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. લગ્નની ખુશીના માહોલ વચ્‍ચે જઈ રહેલા આ દંપતી માટે ધ્રોલ પાસેનો હાઈવે કાળ સાબિત થયો હતો.

ધ્રોલની અની હોટલ પાસેના કટ સામે પુરપાટ ઝડપે જતી એક બોલેરો પીકઅપ ગાડી (નંબર જીજે-૩૭-ટી-૯૨૯૪) ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી એક્‍ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્‍માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતા જ દંપતી રોડ પર પટકાયું હતું. જેમાં દયાળજીભાઈનો જમણો પગ ગોઠણથી નીચેના ભાગેથી કપાઈ ગયો હતો અને ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું ઘટનાસ્‍થળે જ કરુણ મોત નીપજ્‍યું હતું. જ્‍યારે તેમના પત્‍ની ભગવતીબેનને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી.

અકસ્‍માત સર્જ્‍યા બાદ બોલેરો ચાલક ઘટનાસ્‍થળેથી નાસી છૂટયો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસ કાફલો સ્‍થળ પર દોડી આવ્‍યો હતો. ઈજાગ્રસ્‍ત ભગવતીબેનને તાત્‍કાલિક જામનગરની જી.જી. હોસ્‍પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા છે, જ્‍યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ મામલે મળતકના પુત્ર કેતનભાઇ દયાળજીભાઇ ચૌહાણે ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરાર બોલેરો ચાલક વિરુદ્ધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ હેડ કોન્‍સ્‍ટેબલ આર.એ. કુબાવત ચલાવી રહ્યા છે.(૨.૪)

ધ્રોલ હાઈવે પર અકસ્‍માતો રોકવા હિન્‍દુ સેનાની માંગઃ તંત્રની ઉદાસીનતા સામે રોષ

ધ્રોલઃ ધ્રોલ જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ સિટી વિસ્‍તારમાં વધતા જીવલેણ અકસ્‍માતોને રોકવા હિન્‍દુ સેનાના પ્રમુખ ગૌરવ મહેતા દ્વારા તંત્રને આકરી રજૂઆત કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૪માં ગુજરાત સ્‍ટેટ રોડ ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન સહિત તાલુકા અને જિલ્લા કક્ષાએ અનેકવાર લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર હજુ ઘોર નિંદ્રામાં હોય તેમ જણાય છે.

ગૌરવ મહેતાએ માર્ગ પર તાત્‍કાલિક રબર સ્‍ટેમ્‍પ (બમ્‍પ) અને સુરક્ષાના સાધનો મૂકવાની માંગ કરી છે. અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્‍યા હોવા છતાં તંત્ર દ્વારા ધ્રોલ શહેરની અવગણના કરવામાં આવતા સ્‍થાનિકોમાં ભારે રોષ છે. વારંવારની રજૂઆતો છતાં કામગીરી ન થતા હિન્‍દુ સેનાએ તંત્ર પાસે વહેલી તકે નિરાકરણ લાવવાની માંગ કરી છે, જેથી ભવિષ્‍યમાં નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય.(૨.૪)

(11:02 AM IST)