News of Monday, 9th February 2026
ખોટી અરજી કરનારા ૪૭ સામે કડક કાર્યવાહી કરવા કોડીનાર મુસ્લિમ મતદારોની માંગ
SIRમાં ફોર્મ-૭ ના ગેરઉપયોગ મુદ્દે રોષઃ કોડીનારના ઇતિહાસમાં પહેલીવાર લઘુમતી સમાજની ફરિયાદો માટે લાઇનો જોવા મળીઃ ૩૫૦ થી વધુ અરજીઓ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.૯: કોડીનાર વિધાનસભામાં લઘુમતી સમાજના ૬૭૨૨ જેટલા મતદારોના નામ મતદાર યાદી માંથી કમી કરવા ખોટી રીતે ભરવામાં આવેલ ફોર્મ નંબર ૭ ની વિરુદ્ધમાં કોડીનાર તાલુકામાંથી મુસ્લિમ મતદારો એ કોડીનાર પોલીસ સ્ટેશન માં એકઠા થઈ એક સાથે સામૂહિક ૩૫૦ જેટલી અરજીઓ પોલીસ સ્ટેશનમાં આપી ખોટી રીતે ફોર્મ નંબર ૭ ભરનારા ૪૭ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.
મતદાર યાદી સુધારણા (SIR) કામગીરી અંતર્ગત લઘુમતી સમાજના લોકોએ પી.આઈ.વણારકાને રજુઆતો કરી સામૂહિક રીતે ૩૫૦ થી વધુ અરજીઓ કરી અરજીમાં જણાવ્યા મુજબ જે મતદારો હાલ હયાત છે અને સ્થળાંતર કર્યું નથી અને ગામમાં જ વસવાટ કરે છે, તેમજ ખેડૂત ખાતેદાર હોવા છતાં યેનકેન પ્રકારે મતદાર યાદીમાંથી મુસ્લિમ સમાજના નામો કમી કરવા ૪૭ જેટલી અજાણી વ્યક્તિઓ દ્વારા ખોટા વાંધા રજૂ કરીને ૬૭૨૨ ફોર્મ ૭ રજૂ કરાયા હોવાનું સામે આવતા તમામ ફોર્મ નંબર ૭ની સઘન ખરાઈ કરવામાં આવે અને જે લોકો વાસ્તવિક રીતે હયાત હોય અને સ્થળાંતર ન કર્યું હોય તેવા નામો મતદાર યાદીમાંથી કમી ન કરવામાં આવે તેમજ ખોટા ફોર્મ ૭ ભરનાર વ્યક્તિઓ એ કયા આધારે ફોર્મ નંબર ૭ ભર્યા છે તેની તપાસ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારના મુસ્લિમ મતદારો એ મોટી સંખ્યા માં પોલીસ સ્ટેશન માં હાજર રહી અરજીઓ કરવા લાંબી લાઇનો લગાવતા અંદાજિત ૩૫૦ થી વધુ અરજીઓ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનાર ના ૬૭૨૨ મુસ્લિમ મતદારો સામે ભરવામાં આવેલ ફોર્મ નંબર ૭ માં મુસ્લિમ સમાજ ના અનેક રાજકીય અગ્રણી, આગેવાનો સહિત ના નામો સામે ગ્રામ્ય વિસ્તારના અજાણ્યા શખ્સો દ્વારા બોગસ મોબાઇલ નંબર સાથે બોગસ વાંધાઓ લઈ ફોર્મ નંબર ૭ ભરાતા આ અંગે ભારે વિવાદ સાથે મુસ્લિમ મતદારો માં ભારે રોષ ફેલાયો છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
