<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

કચ્છના મુન્દ્રામાં ધોળે દિ’ જ્વેલર્સની દુકાનમાં લૂંટના ઇરાદે ફાયરિંગ: ઝપાઝપીમાં વ્યાપારીને ઇજા, એક લૂંટારુ ઝડપાયો

ભાજપના અગ્રણી અને જ્વેલર્સ એસો.ના પ્રમુખની દુકાને લૂંટના પ્રયાસથી ચકચાર : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

(વિનોદ ગાલા દ્વારા ભુજ)તા.૯ :  કચ્છના મુન્દ્રા મધ્યે બારોઇ રોડ ઉપર આજે ધોળા દિવસે સોના ચાંદીના શો રૂમ રુદ્રાક્ષ જ્વેલર્સને લૂંટવાના પ્રયાસે સમગ્ર જિલ્લામાં ચકચાર સર્જી છે. ચાર શખ્સોએ લૂંટના ઇરાદે ફાયરીંગ કર્યું હતું. જોકે, સોની વ્યાપારી રાજેન્દ્ર પાટણિયા અને તેમના પુત્ર વિશાલ પાટણિયાએ લૂંટારૂઓનો સામનો કરી લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. ઝપાઝપીમાં એક લૂંટારુ ઝડપાઈ ગયો હતો જ્યારે ત્રણ નાસી છુટ્યા હતા. ઘટના સ્થળે ધસી આવેલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દરમ્યાન સ્થળ ઉપરથી એક કારતૂસ પણ મળી આવ્યો હતો. જ્યારે વ્યાપારી પિતા પુત્રને ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે ઝડપાયેલ લૂંટારુને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લૂંટનો પ્રયાસ થયો એ રૂદ્રાક્ષ જ્વેલર્સ પેઢીના રાજેન્દ્ર પાટણિયા એ મુન્દ્રા સોના ચાંદી જ્વેલર્સ એસો. ના પ્રમુખ તેમ જ ભાજપના આગેવાન છે. (તસ્વીરો: રાજ સંઘવી)

(4:59 PM IST)