News of Tuesday, 10th February 2026
મુન્દ્રામાં ધોળે દિ'જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરનાર ગેંગનો ઝડપાયેલ આરોપી મધ્યપ્રદેશનો
ગુનામાં વપરાયેલ પલ્સર બાઇક માધાપર ભુજમાંથી ચોર્યું હતું, અન્ય ત્રણ લૂંટારૂઓની શોધખોળ વચ્ચે રાજકીય અને સામાજિક આગેવાનોએ ઔદ્યોગિકરણ પછી વધતી ગુનાખોરી અંગે વ્યક્ત કરી ચિંતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૦: મુન્દ્રા મધ્યે બારોઇ રોડ ઉપર ધોળા દિવસે સોના ચાંદીના શો રૂમ રુદ્રાક્ષ જ્વેલર્સને લૂંટવાના પ્રયાસે સમગ્ર જિલ્લામાં ચકચાર સર્જી છે. ચાર શખ્સોએ લૂંટના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જોકે, સોની વ્યાપારી રાજેન્દ્ર પાટણિયા અને તેમના પુત્ર વિશાલ પાટણિયાએ લૂંટારૂઓનો સામનો કરી લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. ઝપાઝપીમાં એક લૂંટારૂ ઝડપાઈ ગયો હતો જ્યારે ત્રણ નાસી છુટયા હતા. આ બનાવ બાદ ઘટના સ્થળે પોલીસ ધસી આવી હતી. ઉપરાંત મોડેથી એએસપી વિવેક ગૌતમે પણ બનાવના સ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી છે. લૂંટારૂ ઓએ ગોળીબારમાં ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. દરમ્યાન સ્થળ ઉપરથી એક કારતૂસ પણ મળી આવ્યો હતો. જ્યારે વ્યાપારી પિતા પુત્રને ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે ઝડપાયેલ લૂંટારૂને પણ શો રૂમના કાચ લાગતા સારવાર અર્થે પહેલા મુન્દ્રા અને પછી ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લૂંટનો પ્રયાસ થયો એ રૂદ્રાક્ષ જ્વેલર્સ પેઢીના રાજેન્દ્ર પાટણિયા એ મુન્દ્રા સોના ચાંદી જ્વેલર્સ એસો.ના પ્રમુખ તેમ જ ભાજપના આગેવાન છે.
દરમ્યાન મળતી માહિતી મુજબ ત્રણ લૂંટારુઓ જે બાઇક ઉપર નાસી છૂટયા એ બાઇક માધાપર ભુજમાંથી ચોરાયેલ છે. જે અંગે બાઇક માલિકે પોલીસ ફરિયાદ પણ કરી છે. જ્યારે ઝડપાયેલ એક લૂંટારૂ મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, મુન્દ્રાના રાજકીય અને સામાજિક આગેવાનોએ ઔદ્યોગિકકરણ બાદ મુન્દ્રા પંથકમાં વધેલી ગુનાખોરી બાબત ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. પોલીસ બંદોબસ્ત અને કાયદો વ્યવસ્થા સઘન બનાવવા પણ સૂચન કર્યું છે. નવી પોલીસ ચોકીઓ શરૂ થઈ છે તેની કામગીરી અસરકારક હોવી જોઈએ એવી પણ લોકોમાં ચર્ચા છે. (તસ્વીરોઃરાજ સંઘવી, મુન્દ્રા)
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
