<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

ભાવનગર કોંગ્રેસે SIRની ‘ખોટી રમત' સામે ગધેડા સાથે કાઢયો આક્રોશી વરઘોડો

ફોર્મ નં.૭ના હજારો ખોટા એન્‍ટ્રીનો આરોપ, કલેક્‍ટર કચેરીએ FIR અને કડક કાર્યવાહી માટે આવેદન

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)   ભાવનગર તા.૧૧ :..  શહેરમાં SIR (સ્‍પેશિયલ ઇન્‍ટેન્‍સિવ રિવિઝન)ની કામગીરીને લઈને કોંગ્રેસે મંગળવારે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ગધેડા સાથે વરઘોડો કાઢી કલેક્‍ટર કચેરી પહોંચ્‍યા હતા અને મતદારોના નામ કપાવવાની ‘સાજિશ' ચાલી રહી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.કોંગ્રેસે જણાવ્‍યું હતું કે, ફોર્મ નંબર ૭ મોટા પ્રમાણમાં ખોટી રીતે ભરાઈ રહ્યા છે, જેના કારણે હજારો સાચા મતદારો મતાધિકારથી વંચિત થવાની કગાર પર છે. શહેર તેમજ જિલ્લામાં ખોટા ફોર્મ નં.૭ની ભરમાર થઈ હોવાનો આરોપ લગાવી કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાપર સવાલ ઉઠાવ્‍યા હતા.

શહેર કોંગ્રેસ પ્રમુખે કડક શબ્‍દોમાં જણાવ્‍યું હતું કે, ખોટા ફોર્મ ભરનાર તત્‍વો સામે તરત FIR નોંધાવી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. ‘મતદાન અધિકાર સાથે ચેડા કરનાર કોઈ પણ વ્‍યક્‍તિને છોડવામાં નહીં આવે,' તેમ તેમણે ચેતવણી આપી હતી.

આક્રોશી વરઘોડા દરમિયાન ગધેડાને લઈને પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્‍ચે ખેંચતાણ સર્જાઈ હતી, ઘટનાને કારણે સ્‍થળ પર થોડા સમય માટે તણાવભર્યો માહોલ સર્જાયો હતો.

અંતે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે કલેક્‍ટરને આવેદનપત્ર આપીને SIRની સમગ્ર પ્રક્રિયાની ઊંડાણપૂર્વક તપાસ, ખોટા ફોર્મ રદ કરવા તેમજ જવાબદાર અધિકારીઓ અને તત્‍વો સામે કડક પગલા લેવાની માગ કરી હતી. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ લાલભા ગોહિલ અને આગેવાનો કાર્યકરો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

(10:46 AM IST)