News of Wednesday, 11th February 2026
કચ્છ મ્યુઝિયમમાં કયુરેટર તરીકે ડો. મહેન્દ્રસિંહ સુરેલાની નિમણુંક

રાજકોટ તા. ૧૧ : કચ્છ મ્યુઝિયમમાં કયુરેટર તરીકે ડો. મહેન્દ્રસિંહ સુરેલાની નિમણુંક થતા તેઓએ સર્વાંગી વિકાસ માટેની પ્રતિબધ્ધતા વ્યકત કરી છે. ઇમારતના રીનોવેશન સંબંધિત કામગીરી શરૂ કરવા દરખાસ્તો પણ કરી દીધી છે.
ગુજરાતની અસ્મિતા સમાન અને ૧૪૮ વર્ષનો ગૌરવવંતો ઇતિહાસ ધરાવતા ‘કચ્છ મ્યુઝિયમ'ના કયુરેટર તરીકે નિમાયેલ ડો. મહેન્દ્રસિંહ સુરેલા એક અભ્યાસુ અધિકારી છે. તેઓએ ચાર અલગ અલગ વિષયોમાં અનુસ્નાતક (એમ.એ.)ની પદવી પ્રાપ્ત કરી છે. ખાસ કરીને સંગ્રહાલય વિષયમાં યુજીસી નેટ અને જેઆરએફ જેવી પ્રતિષ્ઠીત પરીક્ષાઓ ઉતીર્ણ કરેલ છે. ટુરીઝમ અને હેરીટેજ ક્ષેત્રે તેમનો બહોળો અનુભવ કચ્છ મ્યુઝિયમના માધ્યમથી કચ્છની વિરાસતને વિશ્વતરે ઉજાગર કરવામાં ચાવીરૂપ સાબીત થશે.
તેઓએ પોતાની નોકરીના કાર્યકાળ દરમિયાન પાટણ જિલ્લાની ૧૧મી સદીની વીરાંગના રાજમાતા નાયિકાદેવીના સ્મારક મ્યુઝિયમને વિકસાવવામાં અને ગુજરાત સરકારના મહિલા સશક્તિકરણ અભિયાનને વેગવંતુ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપેલ છે. ઉપરાંત યુવા સંસદ કાર્યક્રમમાં છેલ્લા ત્રણ વર્ષથી તેઓ જિલ્લા અને રાજય સ્તરે જયુરી મેમ્બર તરીકે સેવા આપી યુવાનોને લોકશાહી પ્રક્રિયાથી અવગત કરી રહ્યા છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
