<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

શ્રી કૃષ્‍ણ ભગવાન પૂર્ણ છે, પરિપૂર્ણ છે અને પરમ પરિપૂર્ણ છેઃ પૂ. મોરારીબાપુ

દ્વારકામાં આયોજીત ‘‘માનસ કૃષ્‍ણાવતાર'' શ્રી રામ કથાનો આજે સાતમો દિવસ

રાજકોટ તા. ૧૧: બાવન ગજની ધજા જયાં સતત ફરફરે છે એ જગતમંદિર અને દ્વારિકાનગરીના વાયુ મંડળમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘‘માનસ કૃષ્‍ણાવતાર''ના છઠ્ઠા દિવસે-ગઇકાલે-કથાનો પ્રેમ સંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે, એક ઉપનિષદ મંત્ર લાવ્‍યો છું. જે મંત્ર શિવજી, રામ, કૃષ્‍ણ, દૂર્ગા, પરામ્‍બા ભવાની, વિષ્‍ણુ, ગણપતિ, સૂર્ય, હનુમાનજીને પણ લાગુ પડે છે, જેમાં પરમતત્‍વના સોળ (૧૬) ગુણ વ્‍યકત થયાં છે. જો કે શબ્‍દોની મર્યાદા છે, બાવન અક્ષરોમાંથી કહેવાનું હોય છે, પણ પરમ તત્‍વ વિશેષ જયારે સંવાદ કરીએ ત્‍યારે ગુણ કે લક્ષણ કે સ્‍વભાવ એ શબ્‍દોનો આશ્રય લેવો પડે છે બાકી પરમ તત્‍વ એ બધાં જ વર્ણનો પર છે, બાપ!

ઉપનિષદના મંત્રમાં સોળ પ્રકારના ગુણ દર્શાવ્‍યા છે તે દરેક દેવ-દેવીઓને લાગુ પડે છે, પરમ-પરમેશ્‍વર-પરમ ઇશ્‍વરને લાગુ પડે છે. પ્રિય બાપુએ ઉપનિષદના આ શ્‍લોક મંત્રનો એક-એક શબ્‍દ કથા ભાવકોને સરળ રીતે, સહજ રીતે, દાખલા દૃષ્‍ટાંતો-વાર્તા-બોધકથા કહીને વિસ્‍તારપૂર્વક સમજાવ્‍યો હતો.

તુલસીદાસજીના વૈજ્ઞાનિક સૂત્રોની સમજણ આપતા પ્રિય બાપુએ આપેક્ષા-બીન સાપેક્ષ તત્‍વો વિશે કહ્યું કે-બ્રહ્મ અને માયા, જીવન અને જગદિશ, લક્ષ્ય અને અલભ્‍ય, રંક અને રાજા, કાશી અને મગહર, મરૂ અને માદવ, અનુરાગ અને વિરાગ, સ્‍વર્ગ અને તર્ક આ બધું જ સાપેક્ષ છે. એ માટે પ્રિય બાપુએ એક થિએટરની વાત દૃષ્‍ટાંત સહ સમજાવી હતી કે-એક થિએટરમાં ‘‘ધુરંધર'' (જે આજની પ્રસિધ્‍ધ ફિલ્‍મ છે) ફિલ્‍મનો શો હતો. ૩ થી ૬ નો શો હતો. છ વાગ્‍યે ફિલ્‍મ પૂરી થઇ કે તરત જ થિએટરનો માલિક પડદા પાસે આવ્‍યો અને પ્રેક્ષકોને કહ્યું કે, આજે મારા દીકરાનો જન્‍મ દિવસ છે તમને જો સમય હોય તો બધાં જ બેસો, હમણાં તમને એક ત્રિઅંકી નાટક બતાવવામાં આવશે, બિલકુલ ફ્રી છે, તમારે એના પૈસા નથી આપવાના, મારા દિકરાના જન્‍મ દિવસ નિમિતે તમને બટેકા-પૌવાનો નાસ્‍તો અને એક નાટક દેખાડવામાં આવશે. હવે ફિલ્‍મ વખત જે પ્રેક્ષકો થર્ડ કલાસ (રામ કલાસ) માં બેઠા હતાં તે પ્રેક્ષકોની સ્‍થિતિ વિશેષ બની ગઇ અને બાલ્‍કનીમાં જે પ્રેક્ષકો બેઠાં હતાં એ થર્ડ કલાસનો વર્ગ થઇ ગયો! આમ બધું જે કાંઈ સ્‍થિતિ સર્જાતી હોય એ સાપેક્ષ છે. -મનોજ જોશી ‘‘મજો'' મો. ૯૪ર૬ર ૪ર૧૧પ)

(3:45 PM IST)