News of Friday, 13th February 2026
શું આપનું તરુણ વયનું બાળક નાની નાની વાતોમાં ગુસ્સો, મારપીટ, ઉશ્કેરાટભર્યું વર્તન કરે છે? આવી પરિસ્થતિમાં શું કરવું જોઈએ?
ભુજની અદાણી જી. કે. જન. હોસ્પિ.ના મનોચિકિત્સકોએ બાળકો અને તરુણો આગળ જતાં સાચા માર્ગે ચાલે તે માટે આપી ટીપ્સ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : આજે પંદર થી અઢાર વર્ષની વયના તરુણોમાં મારપીટ, ગાળાગાળી જેવી બાબતો તો સામાન્ય બની ગઈ છે, પણ નજીવી બાબત ઉપર તકરાર એટલી વધી જાય છે કે, સગીરો હિંસા ઉપર ઉતરી આવે છે. હવે આવા અનેક કિસ્સા વધી રહ્યા છે. તેમાંનું એક કારણ ટેકનોલોજીનો દૂરઉપયોગ, ઉચ્ચ કક્ષાની જિંદગીનું પાગલપન, દેખાદેખી તેમજ પોતાની જાતનો દેખાડો (એક્સપોઝ) કરવામાં છે. પરિણામે આંતરિક ધૃણા જેવી અનેક સમસ્યાઓ સામે આવે છે.
અદાણી સંચાલિત ગેઈમ્સ જી. કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સક અને માનસશાસ્ત્રીએ કહ્યું કે, બાળકો મોબાઇલને કારણે વહેલા પરિપક્વ થઈ રહ્યા હોવાથી આવા અનેક પ્રશ્નો જોવા મળી રહી છે.
મનોચિકિત્સક ડો.રિધ્ધિબેન ઠક્કરના જણાવ્યા મુજબ, બાળકો અને તરુણોની વાત સમજી, તેમની સાથે સંવાદ રચી, માતા-પિતા તેમની લાગણી માંગણી સમજીને તેમને રોજબરોજ થોડો સમય આપે અને તેમની રોજિંદી દિનચર્યા ધ્યાનથી નિહાળે તો અનેક આવા સામે આવતા કોયડા ઉકેલી શકાય એમ છે. ઉપરાંત તેમની સંગત ઉપર પણ બાજ નજર રાખવી એટલી જ આવશ્યક છે એમ તેમણે ઉમેર્યું હતું.
બાળકોને તરુણીને સહનશીલતાના પાઠ ભણાવવા એ આજની સમસ્યાની મોટી માંગ છે. વડીલો બાળકોની કોઈ પણ માંગણી આગળ પાછળ જોયા વગર સંતોષી દે તો પણ અનેક પ્રશ્નો સર્જી શકે છે. તેમની લાગણી સમજીને તેમની રચનાત્મક દિશામાં વાળવાની પણ એટલી જ આવશ્યકતા છે. સાથે સાથે તેમના પ્રશંસનીય કાર્યોને પણ બિરદાવવા જોઈએ જેથી તેમને પ્રોત્સાહન મળે. આ જવાબદારી માતા પિતા સાથે સમાજની પણ એટલી જ છે.એમ જી.કે.ના મનોચિકિત્સક ડો.નીરવ ચાંપાએ જણાવ્યું હતું.
સગીરોમાં ગુનાની પ્રવૃત્તિ વધતી જાય છે એ અંગે જી.કે.ના માનસશાસ્ત્રી હેતલબેન ગોહિલે જણાવ્યું કે, બાળકો તેમની આસપાસ આકાર લેતા સકારાત્મક અને નકારાત્મક માહોલને ઝીણવટપૂર્વક નિહાળે છે. જેની ઊંડી અસર તેમના માનસપટ ઉપર પડે છે. એ કારણે પણ બાળકમાં માનસિક તાણ વધારે જોવા મળે છે. હિંસા કરવી ધમાલ મચાવવી એની પાછળ આવા ય માનસિક કારણો જવાબદાર હોય છે. આ તમામ પરિબળો તપાસી માતા પિતાએ કોઈ પણ સમસ્યા ઉકેલવા બાળકોની સ્થિતિનો અભ્યાસ કરી સંકલ્પ શક્તિ સાથે આગળ વધે તો સમસ્યાનું નિરાકરણ આશય લાવી શકાય છે.
વાલીઓએ પોતાના અને પરિવારની સુખ સુવિધાની પરિપૂર્તિ માટે દોડધામ અને સતત વ્યસ્તતા તેમજ હરીફાઈની જિંદગીમાંથી સમય કાઢી બાળકો અને પરિવાર સાથે બેસીને સંવાદ સાધવા ફુરસદ તો કાઢવી જ પડશે, કેમકે બાળકને સૌથી વધુ માતા પિતા જ સમજી શકે છે. તેમ છતાં બાળકની મનોસ્થિતિ અકળ હોય તો મનોચિકિત્સક કે માનસશાસ્ત્રીની સલાહ અચૂક લેવી જોઇએ એમ તબીબોએ કહ્યું હતું.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
