<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

શરીર અડધું પણ આત્‍મવિશ્‍વાસ હિમાલય જેવો : એક જીવતી-જાગતી મિશાલ...: જુઓ વિડિયો

નસીબ રેખાઓમાં નહીં, મહેનતના પરસેવામાં હોય છે! જાણો એક હાથ-પગની ખોટ હોવા છતાં ટ્રેક્‍ટરના ‘સારથિ' બની સોનું પકવતા ધ્રોલ તાલુકાનાં જાબીડા ગામના યુવાન ખેડૂતની અજોડ ગાથા..

ધ્રોલ : કહેવાય છે કે નસીબ રેખાઓમાં નહીં પણ હાથની હથેળીઓમાં અને મહેનતના પરસેવામાં હોય છે, પરંતુ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાબીડા ગામના એક યુવાને તો આ વાતને પણ નવી ઊંચાઈ આપી છે. જન્‍મથી જ એક હાથ અને એક પગની ખોટ હોવા છતાં, મનથી હિમાલય જેવો મક્કમ આત્‍મવિશ્વાસ ધરાવતા ૩૩ વર્ષીય સહદેવસિંહ ભવાનસિંહ જાડેજાએ આજે સાબિત કરી દીધું છે કે જો મનુષ્‍ય હિંમત ન હારે તો કુદરતની અક્ષમતા પણ તેની સફળતાના માર્ગમાં કયારેય આડખીલી બની શકતી નથી. શરીર અડધું હોવા છતાં આત્‍મવિશ્વાસથી છલોછલ આ યુવાન ખેડૂત આજના હતાશ યુવાનો માટે પ્રેરણાની મશાલ બન્‍યા છે.

ગ્રેજ્‍યુએટ સુધી શિક્ષિત સહદેવસિંહ જાડેજા ઈચ્‍છત તો ભણી-ગણીને કોઈ પણ ઓફિસમાં બેસીને આરામદાયક નોકરી કરી શકયા હોત, પરંતુ તેમનો જીવ અને જમીન વચ્‍ચેનો નાતો અતૂટ રહ્યો છે. જન્‍મથી જ ડાબો હાથ અને ડાબો પગ ન હોવા છતાં તેમણે કયારેય પોતાની જાતને દયાપાત્ર ગણી નથી. તેઓ બે ભાઈઓ છે, જેમાં મોટા ભાઈ પ્રદીપસિંહ જાડેજા ધ્રોલ તાલુકા સંગઠન પ્રમુખ તરીકે સામાજિક જવાબદારીઓ નિભાવે છે, જ્‍યારે ખેતીની તમામ ધુરા નાના ભાઈ સહદેવસિંહે મક્કમતાથી પોતાના ખભે ઉપાડી છે.

સહદેવસિંહ પાસે પોતાની માલિકીની મોટી જમીન છે, જેમાં તેઓ જાતે જ વાવેતર કરે છે. સામાન્‍ય રીતે આટલી મોટી જમીન હોય ત્‍યારે ખેડૂતો મજૂરો પર નિર્ભર રહેતા હોય છે, પરંતુ સહદેવસિંહ પોતે જ ખેતરના ‘સારથિ' બને છે. તેઓ માત્ર દેખરેખ નથી રાખતા, પરંતુ ખેતીની તમામ જરૂરિયાતો, બજારમાંથી સામાન લાવવો અને સૌથી અઘરું ગણાતું ટ્રેક્‍ટરથી વાવેતર કરવાનું કામ જાતે જ કરે છે. આ?ર્યની વાત તો એ છે કે, આખા પંથકમાં ટ્રેક્‍ટરથી અત્‍યંત ચોકસાઈપૂર્વક વાવેતર કરવામાં સહદેવસિંહનો નંબર પહેલો આવે છે. એક હાથ અને એક પગે ટ્રેક્‍ટરના ગિયર અને સ્‍ટિયરિંગ પર તેમનું જે પ્રકારનું સંતુલન છે, તે જોઈને ભલભલા સક્ષમ લોકો પણ આશ્‍ચર્યચકિત થઈ જાય છે. એટલું જ નહીં, તેઓ ઓટોમેટિક ગિયરવાળી ફોર-વ્‍હીલ કાર ચલાવીને સગા-સંબંધીઓમાં સામાજિક વ્‍યવહારમાં પણ જાય છે.

આજના આધુનિક યુગમાં જ્‍યારે અનેક યુવાનો તમામ અંગો સલામત હોવા છતાં સામાન્‍ય નિષ્‍ફળતામાં હારી જાય છે, વ્‍યસનોના રવાડે ચડી જાય છે અથવા આખો દિવસ મોબાઈલ સ્‍ક્રીન પાછળ કિંમતી સમય વેડફતા હોય છે, ત્‍યારે સહદેવસિંહ જાડેજા તેમના માટે એક પ્રેરણાનું ઝરણું છે. તેમણે સાબિત કર્યું છે કે શરીરની મર્યાદાઓ મનની મક્કમતા પાસે વામણી છે. જાબીડા ગામના લોકો પણ સહદેવસિંહના આ જબરદસ્‍ત જુસ્‍સાને ગૌરવભેર નિહાળે છે. ગામના વડીલો કહે છે કે સહદેવસિંહે હિંમત હાર્યા વગર કામ કરવાની જે મિશાલ કાયમ કરી છે, તેનાથી સાબિત થાય છે કે અડગ મનના માનવી માટે કોઈ પણ લક્ષ્ય અશકય નથી.

ખેતીમાં જ્‍યારે મજૂરોની અછત વર્તાતી હોય ત્‍યારે સહદેવસિંહ પોતે જ મજૂર અને પોતે જ માલિક બનીને જમીનમાંથી સોનું પકવે છે. પરસેવો પાડીને સ્‍વાવલંબનનો જે માર્ગ તેમણે અપનાવ્‍યો છે તે ખરેખર વંદન કરવા લાયક છે. તેમની આ સફર માત્ર એક ખેડૂતની વાર્તા નથી, પણ માનવીય સંઘર્ષ અને હિંમતના વિજયની એક અમર ગાથા છે.

(1:26 PM IST)