તા. ૧૩ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૧ શુક્રવાર
News of Friday, 13th February 2026
હાલાર સહિત બારેય જયોતિર્લિંગના સ્થળોએ સમાંતર ‘‘દ્વાદશ જયોતિર્લિંગ કોટી રૂદ્ર મહાયાગ યજ્ઞમાળા''
જામનગરથી સર્વપ્રથમ અને ઐતિહાસિક આયોજનઃ બારેય જયોતિર્લિંગ સ્થળે તા. ૧૯ થી તા. ર૭ સુધી ૧૦૮ કુંડી હોમાત્મક યજ્ઞમાળાઃહર્ષદ વ્યાસ

જામનગરઃ તા. ૧૩, જામનગરના સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઇન્ડિયા)ના ઉપક્રમે ચાલુ મહિનામાં દ્વાદશ જયોતિર્લિંગ કોટી રૂદ્ર મહાયાગ યજ્ઞમાળાની ઐતિહાસિક દ્યટના બનવા જઈ રહી છે. ભારત વર્ષમાં વિદ્યમાન અને પાવનતીર્થ ગણાતા બારેય જયોતિર્લિંગના સ્થળે તા. ૧૯-૦૨-૨૦૨૬ થી ૨૭-૦૨-૨૦૨૬ દરમિયાન એકસાથે મળી કુલ ૧૦૮ કુંડી હોમાત્મક યજ્ઞમાળા રચવામાં આવી છે.
આ સંસ્થાના પ્રમુખ અને મુખ્ય આયોજક એવા હાપા (જામનગર)ના હર્ષદભાઈ જી. વ્યાસ દ્વારા જણાવાયું છે કે, રાજયમાં સોમનાથ તથા દેવભૂમિ દ્વારકા સ્થિત નાગેશ્વર જયોતિર્લિંગ વિદ્યમાન છે. બાકીના ૧૦ જયોતિર્લિંગ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તામીલનાડુ જેવા દૂરના રાજયમાં સ્થપાયેલા છે. પ્રત્યેક જયોતિર્લિંગના નિર્ધારીત સ્થળે કર્મકાંડી-આચાર્યો, તજજ્ઞો-સંતો-મહામંડલેશ્વરોના માર્ગદર્શન હેઠળ યજ્ઞશાળા નિર્માણ કરાઈ છે. દરેક જયોતિર્લિંગમાં નવકુંડી યજ્ઞ થશે. તેથી કુલ મળી ૧૦૮ કુંડી યજ્ઞમાળામાં પસંદગી પામેલા બ્રાહ્મણ દંપતીઓ યજમાનપદે જોડાશે. યજ્ઞમાળાના નવેય દિવસ સ્થાનઆચાર્ય તેમજ કર્મકાંડી ભૂદેવોના રૂદ્રાષ્ટકમ્ ના પાઠ સાથે સવારે ૯ થી ૧ અને બપોરે ૩ થી ૭ એમ દરરોજ આઠ કલાક યજ્ઞમાં આહૂતિ અપાશે.
આ યજ્ઞમાળાનું કેન્દ્રીય સ્થાન દેવભૂમિ દ્વારકા પાસેનું નાગેશ્વર જયોતિર્લિંગ પરિસર રહેશે. યજ્ઞમાળાનો શુભારંભ ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ ત્ર્યંબકેશ્વર જયોતિર્લિંગથી જયારે ગુજરાત રાજયના પૂર્વ કૃષિ કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ દ્વારા રામેશ્વર જયોતિર્લિંગથી દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવશે. આ કાર્યક્રમનું યુ-ટયુબના માધ્યમથી જીવંત પ્રસારણ ‘શ્ની બ્રહ્મવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ-જામનગર' ની ચેનલ પર પ્રસારિત થશે. જેમાં સમયાંતરે બારેય જયોતિર્લિંગના પૂજન-હવનના દ્રશ્યો પણ પ્રસારિત થશે.
આર. સી. ફળદુ આ નવ દિવસ દરમિયાન બારેય જયોતિર્લિંગના યજ્ઞસ્થળે જઇને આહૂતિ અર્પણ કરશે. તેમજ તા. ૨૭-૦૨-૨૦૨૬ને સાંજે ૪:૩૦ કલાકે નાગેશ્વર સ્થિત યજ્ઞમાળામાં પૂર્ણાહુતિનું બીડું હોમશે. દ્વાદશ જયોતિર્લિંગ કોટિ રૂદ્ર યજ્ઞમાળાના પ્રધાન આચાર્ય સરસિયા-ધારીના આચાર્યશ્રી અનિરૂદ્ધભાઈ ઠાકર રહેશે. તેમજ નાગેશ્વરથી જ અન્ય તમામ જયોતિર્લિંગના સ્થાનિક આચાર્યોને જીવંત માર્ગદર્શન-અંગૂલિનિર્દેશ થકી જોડી યજ્ઞમાળા સંપન્ન કરશે.
યજ્ઞમાળાના મુખ્ય સ્થળ નાગેશ્વર જયોતિર્લિંગમાં જામનગર- દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ દીપપ્રાગટ્ય થકી શુભારંભ કરાવશે. આ વેળાએ રાજયના શિક્ષણમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, રાજયના પૂર્વ વિકાસ મંત્રી પરમાણંદભાઈ ખટ્ટર તથા દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. જયારે અન્ય જયોતિર્લિંગની યજ્ઞમાળામાં મહામંડલેશ્વરો-સંતો-મહંતો, જે-તે જયોતિર્લિંગના પૂજારીઓ અનુકૂળ દિવસોએ જોડાઇને યજ્ઞમાં આહૂતિ અર્પશે.
આ ઐતિહાસિક યજ્ઞમાળામાં દર્શન કે આહૂતિ આપવા માટે સ્વૈચ્છિક સહભાગી થવા ઇચ્છતા હોય તેઓ પોતાના પસંદગીના અનુકૂળ જયોતિર્લિંગના યજ્ઞસ્થળે પહોંચી શકશે, તેમજ ધોતી-સાડી જેવા પરંપરાગત સનાતન વષાો પહેરી તારીખ ૧૯ થી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના કોઇપણ દિવસે સવાર-બપોર ૧૫ મિનિટ યજ્ઞમાં આહૂતિ આપી શકશે.
આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા યજ્ઞમાળા સમિતિના નેજા હેઠળ જામનગર બ્રહ્મસમાજના હર્ષદભાઇ વ્યાસ પરિવારના જીતેન્દ્રભાઈ, પાર્થભાઈ, કિશનભાઇ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં હર્ષદભાઇ વ્યાસ, સુધીરભાઇ રાવલ, અશોકભાઇ જાની, કલ્પેશભાઇ જોશી અને કિશનભાઇ વ્યાસ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
