News of Friday, 13th February 2026
જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળા વચ્ચે ભવનાથ પોલીસ કંટ્રોલ રૂમ સતત 24 કલાક કાર્યરત
અત્યાર સુધી 21 ગુમ થયેલા મોબાઈલમાંથી 1, પાંચ બેગમાંથી 1 અને બે ગુમ વ્યક્તિઓમાંથી 1 ને શોધી કાઢવામાં આવી:શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર ખડેપગે

જૂનાગઢ : ગિરનારની તળેટીમાં અત્યારે મહાશિવરાત્રિના મેળાનો ભવ્ય રંગ જામ્યો છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. મેળાના ભીડભાડ વાળા વિસ્તારમાં ઘણીવાર શ્રદ્ધાળુઓનો સામાન ચોરાઈ જવાની કે ગુમ થવાની ઘટનાઓ બનતી હોય છે. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ ભક્તનો સામાન ચોરાય અથવા કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય, તો તેઓ તુરંત કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે.
મેળાના પ્રારંભથી અત્યાર સુધીમાં પોલીસ કંટ્રોલ રૂમમાં વિવિધ ફરિયાદો નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અત્યાર સુધીમાં કુલ 21 મોબાઈલ ગુમ થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આધુનિક ટેકનોલોજી અને સર્વેલન્સની મદદથી પોલીસે તપાસ હાથ ધરી 21 પૈકી એક મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત સોંપ્યો છે. બાકીના મોબાઈલ ટ્રેક કરવાની કામગીરી હાલ ચાલુ છે. માત્ર ચીજવસ્તુઓ જ નહીં, પરંતુ ભીડમાં સ્વજનોથી વિખુટા પડી ગયેલા લોકો માટે પણ પોલીસ દેવદૂત બનીને કાર્ય કરી રહી છે. મેળા દરમિયાન અત્યાર સુધીમાં બે વ્યક્તિઓ ગુમ થયા હોવાના અહેવાલ મળ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આ પૈકી એક વ્યક્તિને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
મેળામાં અત્યાર સુધીમાં પાંચ થેલા ગમ થયાની વિગતો સામે આવી છે. જેમાંથી એક બેગ પોલીસે શોધી કાઢી છે અને જરૂરી ખરાઈ કર્યા બાદ મુસાફરને પરત કરી છે. ભવનાથ વિસ્તારમાં સીસીટીવી કેમેરા અને સાદા વેશમાં પોલીસ કર્મચારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
