News of Saturday, 14th February 2026
વાપીથી વાહન બેટરી પાણીના પાર્સલની આડમાં ૧૨૪૮ બોટલ દારૂ મંગાવ્યો, પોલીસે જથ્થો ઝડપી લીધો
ખાનગી ટ્રાવેલ્સમાંથી પાર્સલ મેળવી રીક્ષામાં લઇ જતી વખતે પોલીસે રેડ કરી દારૂનો જથ્થો, રીક્ષા સહીત ૪.૫૭ લાખનો મુદામાલ જપ્ત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : દારૂના ધંધાર્થીઓ દારૂની હેરાફેરી કરવા નીતનવા કીમિયા અજમાવતા રહે છે આજે વાપીથી ખાનગી બસમાં વાહન બેટરીના પાણીના પાર્સલની આડમાં ૧૨૪૮ બોટલ દારૂ મંગાવ્યો હતો જે પાર્સલ બસમાંથી લઈને લોડીંગ રીક્ષામાં લઈને જતી વખતે પોલીસે એક ઈસમને ઝડપી લઈને દારૂ, રીક્ષા સહીત ૪.૫૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે વાપીથી મોરબી આવતી ખાનગી ટ્રાવેલ્સમાં બેટરીના પાણીની આડમાં પેકિંગ કરેલ પાર્સલના બોક્ષમાં ઈંગ્લીશ દારૂ મંગાવી તૌફીક મહેબુબ બુખારી રહે મોરબી ખાટકીવાસ વાળો લઇ જતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી લાતીપ્લોટ શેરી નં ૦૬ ના નાકેથી લોડીંગ રીક્ષા જીજે ૦૩ બીએક્શ ૫૮૧૦ કીમત રૂ ૫૦,૦૦૦ વાળી ઝડપી લીધી હતી.
રીક્ષાની તલાશી લેતા દશમાંથી ત્રણ બોક્ષમાં બેટરીના પાણીની બોટલ નંગ ૧૮ અને અન્ય સાત બોક્ષમાં દારૂની બોટલો મળી આવી હતી અલગ અલગ બ્રાન્ડની દારૂની ૧૨૪૮ બોટલ કીમત રૂ ૪,૦૫,૬૦૦ મળી આવતા પોલીસે કુલ રૂ ૪,૫૭,૪૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી તૌફીક મહેબુબ બુખારીને ઝડપી લીધો છે અન્ય આરોપી સાહિલ હનીફ પરમાર રહે રાજકોટ વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
