<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

સનાતન પરંપરા અને વહીવટી તંત્ર વચ્ચે સુમેળ સાધવા જૂનાગઢના કોર્પોરેટરની અપીલ

આંતરિક વિખવાદ છોડી સંતો અને પદાઅધિકારીઓના સન્માન સાથે મેળાના આયોજનને સફળ બનાવવા આહવાન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૪: જૂનાગઢના વોર્ડ નંબર ૯ના કોર્પોરેટર અશ્વિનભાઈ ભારાઈએ સોશિયલ મીડિયા અને લોકસ્તરે ઉઠતા પ્રશ્નોના સંદર્ભમાં એક નિવેદનમાં જણાવ્યું કે, વર્તમાન સમયમાં ભવનાથ મંદિર અને મેળાના આયોજનમાં વહીવટી તંત્ર અને પદઅધિકારીઓની મુખ્ય ભૂમિકાને લઈને જે ગેરસમજણો ઊભી થઈ છે, તે સમાજ માટે ચિતાનો વિષય છે.

તેમણે સ્પષ્ટતા કરી કે મેળાના આયોજનમાં સરકારી અધિકારીઓ મોખરે છે કારણ કે વહીવટી જવાબદારી તેમના હસ્તક છે. જોકે, આ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ સનાતન સમાજમાં અંદરોઅંદર ચાલતા વિખવાદો છે. જો ભૂતકાળમાં વિવાદો વખતે સમાધાનકારી વલણ અપનાવ્યું હોત, તો આજે આ સ્થિતિ નિર્માણ ન પામી હોત.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, હિન્દુ સમાજમાં સંતોનું સ્થાન સર્વોચ્ચ છે અને લોકપ્રતિનિધિઓ પણ જનતા દ્વારા ચૂંટાયેલા હોવાથી તેઓ સન્માનને પાત્ર છે. સનાતન ધર્મની સંસ્કૃતિ દરેકનું સ્વાગત અને સન્માન કરવાની છે. તેમણે અપીલ કરી છે કે સામાજિક આગેવાનો, પૂજ્ય સંતો અને સંગઠનના હોદ્દેદારો એક થઈને કાર્ય કરે તો જ આપણે આપણી પરંપરા જાળવી શકીશું. અંતમાં, તેમણે ૨૪ કલાક ખડેપગે સેવા આપતા અધિકારીઓનો આભાર માની, મેળાના સુંદર આયોજન બદલ સૌને બિરદાવ્યા હતા

(1:31 PM IST)