<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

વડિયામાં મોતના મુખમાં મુસાફરી: ઇકો કારમાં 'ઘેટાં-બકરાં'ની જેમ મુસાફરો ઠાંસ્યા, છત પર બેસાડી જોખમી સવારી

વધુ કમાણીની લાલચમાં માનવતા નેવે મૂકી; ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડતો વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો

વડિયા/અમરેલી: અમરેલી જિલ્લાના વડિયા ગામની મુખ્ય બજારમાં આજે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. વધુ રૂપિયા કમાવવાની અંધારી લાલચમાં એક ઇકો કાર ચાલકે મુસાફરોના જીવને જોખમમાં મૂકતા તમામ મર્યાદાઓ વટાવી દીધી હતી. સામાન્ય રીતે ૭ મુસાફરોની ક્ષમતા ધરાવતી આ કારમાં એટલા લોકો ભરવામાં આવ્યા હતા કે અંદર તલ રાખવાની પણ જગ્યા નહોતી. હદ તો ત્યારે થઈ જ્યારે ચાલકે કારની અંદર તો ઠીક, પણ કારની છત પર પણ મુસાફરોને બેસાડીને જાહેરમાં મોતનું જોખમ ખેડ્યું હતું.

આ હચમચાવનારી સવારીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મુસાફરોને કોઈ નિર્જીવ વસ્તુની જેમ ગાડીમાં 'ઠાંસી-ઠાંસીને' ભરવામાં આવ્યા છે. વડિયાની વ્યસ્ત બજારમાંથી જ્યારે આ 'મોતની સવારી' પસાર થઈ રહી હતી, ત્યારે ત્યાં હાજર લોકો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. ટ્રાફિકના નિયમો અને મુસાફરોની સુરક્ષાને નેવે મૂકીને ચાલતી આ લાલચુ પ્રવૃત્તિ કોઈ મોટી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે, પોલીસ કે ટ્રાફિક તંત્રનો જાણે કોઈ ડર જ ન હોય તેમ આવા વાહનચાલકો બેધડક પણે મુખ્ય માર્ગો પર ફરે છે. જો રસ્તામાં કોઈ નાનો અકસ્માત પણ થાય, તો છત પર બેઠેલા અને અંદર ખીચોખીચ ભરાયેલા મુસાફરો માટે તે જાનલેવા સાબિત થઈ શકે છે. નિર્દોષ લોકોના જીવ સાથે ચેડાં કરતી આ ગંભીર બેદરકારી સામે અમરેલી પોલીસ તંત્ર સફાળું જાગીને કડક કાર્યવાહી કરે અને આવા જોખમી ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે, તેવા અણીયારા પ્રશ્નો અત્યારે વડિયાની બજારોમાં ગુંજી રહ્યા છે.

(1:31 PM IST)