<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

જસદણના જીવાપરમાં આડા સંબંધની શંકામાં વાડી માલિક પર ભાગીયાના પરિવારનો હૂમલો

ટોળાંએ પરિણીતાને પણ માર માર્યોઃ ઘટનાનો વીડિયો વાયરલઃ આધેડની ફરિયાદ પરથી રાયોટનો ગુનો નોંધાયો

આટકોટ તા.૧૬: જીવાપરામાં વાડી માલિકને ભાગીયાના પરિવારે હુમલો કર્યો હતો તેમજ પરિણીતાને પણ મારમાર્યો હતો. જે અંગેએક આધેડની ફરિયાદ પરથી આટકોટ પોલીસે  ટોળા સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્‍યો છે. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો. જસદણના જીવાપરમાં રહેતા જયસુખભાઈ મીઠાભાઇ બોદર(ઉ.વ. ૪૭) દ્વારા આટકોટ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના વતની રાકેશ રમેશભાઈ બામણીયા, રાકેશનો ભાઈ ચતુર, મુકેશ, રાકેશનો સૌથી મોટો ભાઈ, રાકેશની પત્‍ની અને અજાણ્‍યા ૨૦ જેટલા શખસોના નામ આપ્‍યા છે. જયસુખભાઈ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, તે ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે સંતાનમાં બે પુત્ર છે જે બંને સુરત રહે છે. જયસુખભાઈ અને તેમના પત્‍ની સુરત અને અહીં મૂળ વતન જીવાપર ખાતે રહે છે. જીવાપરની સીમમાં ૪૦ વીઘા જમીન છે જેમાંથી ૨૦ વીઘા જેટલી જમીન રાકેશ રમેશભાઈ બામણીયાને ભાગમાં વાવવા માટે આપી છે. સાંજના જયસુખભાઈ વાડીએ ગયા હતા ત્‍યારે અહીં કોઈ નજરે ન પડતા તેમણે પોતાના ભાગીયા રાકેશને ફોન કરી કહ્યું હતું કે તમે બધા કયાં ગયા છો જેથી તેણે કહ્યું હતું કે હું મારા સાળા માંગીલાલ ભુરીયાની વાડીએ ભજીયા ખાવા માટે ગયો છું. જયસુખભાઈના મોટાભાઈ પ્રવીણભાઈની વાડીએ માંગીલાલે ભાગ્‍યું રાખ્‍યું હોય જેથી તેઓ તેને ઓળખતા માટે મંગીલાલને ફોન કરી રાકેશ તેની વાડીએ છીએ કે કેમ તે અંગે ખરાઈ કરતા મંગીલાલે જણાવ્‍યું હતું કે, રાકેશને તેની પત્‍ની રમીલા સાથે રાત્રીના ઝઘડો થયો છે જેથી રમીલાબેનને રાત્રે હું મારી વાડીએ લઈ આવ્‍યો છું અને રાકેશ અહીં આવ્‍યો નથી તેવી મંગીલાલે વાત કરી હતી બાદમાં જયસુખભાઈ પોતાનું બાઈક લઈ તેના ભાઈની વાડીએ ગયા હતા જ્‍યાં માંગીલાલે હતું કે રમીલાબેનને તમે તમારી વાડીએ કહ્યું લઈ જાવ જેથી જયસુખભાઈ રમીલાબેનને બાઈક માં બેસાડી પોતાની વાડીએ લઈ જતા હતા ત્‍યારે અહીં રાકેશ હાજર હોય અને તેને તેની પત્‍ની સાથે કોઈ ઝઘડો ન કરવાની સલાહ આપી જયસુખભાઈ જતા રહ્યા હતા. બીજા દિવસે જયસુખભાઈ બાઈક લઈને વાડીએ ગયા હતા ત્‍યારે રાકેશ વાડીએ ન હતો પરંતુ તેની પત્‍ની રમીલા અને રમીલાબેનનો ભત્રીજો કમલેશ વાડીએ હતાં.

  જયસુખભાઈ અહીં વાડીએ આવેલા મકાનમાં ફળિયામાં ખાટલે બેઠા હતા ત્‍યારે ચારેક વાગ્‍યે રાકેશ તેના ભાઈઓ સહિતનાઓ અહીં ધસી આવ્‍યા હતા અને જયસુખભાઈને રાકેશની પત્‍ની સાથે આડા સંબંધ હોવાની શંકા કરી ગાળો બોલી તેમને ઢીકાપાટુનો માર મારવા લાગ્‍યા હતા. રાકશેની પત્‍ની રમીલાને પણ આ શખસોએ મારમાર્યો હતો.

દરમિયાન ફરિયાદીના છોટાભાઈ પ્રવીણભાઈ તથા કુટુંબી કાકા કિશોરભાઈ અહીં આવી જતા તેમને વધુ મારમાંથી બચાવ્‍યા હતા અને ત્‍યારબાદ તેમને ૧૦૮ મારફત સારવાર માટે જસદણ સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા.બનાવ અંગે આધેડે આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસ પીઆઈ આર.એસ. સાકરીયા ચલાવી રહ્યા છે.

(1:51 PM IST)