<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

કચ્છ ભાજપ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો

મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય અને પ્રદેશ મહામંત્રી સાથે સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી અનિરુદ્ધ દવે, રાજ્ય મંત્રી અને મોરબીના પ્રભારી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ :  તાજેતરમાં જ કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે પરામર્શ કર્યા બાદ કરવામા આવેલ સંગઠનાત્મક વરણીમાં વરાયેલા સર્વે નવનિયુક્ત હોદ્દેદારોનો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સમગ્ર કચ્છ જિલ્લા ભાજપ પરિવાર વતી અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું હતું કે સેવા અને રાષ્ટ્રવાદના વિચારને લઈને આગળ વધતા લોકોનો સમૂહ એટલે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન. સંગઠન એ ભારતીય જનતા પાર્ટીની મુખ્ય કરોડરજ્જુ છે જેના આધારે આજે આ પાર્ટી વિશ્વની સૌથી વિરાટ રાજકીય પાર્ટી બની છે. પદ કે કીર્તિની લેશમાત્ર પરવા કર્યા વિના માત્ર એક વિચારધારાને આધીન સંગઠનમાં કામ કરતા લાખો કાર્યકર્તાઓ ભાજપની મુખ્ય તાકાત છે.

જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સંગઠનાત્મક શક્તિ એ ભાજપના આજના વ્યાપ, વિકાસ અને સફળતા માટે મુખ્યત્વે જવાબદાર છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય. કચ્છના કાર્યકરોએ હંમેશા સંગઠન ક્ષેત્રે પ્રદેશ કક્ષાએ આગવું કાઠું કાઢ્યું છે એ જ રીતે આ પરંપરાને આગળ ધપાવીને આ નવી ટીમ પણ પ્રદેશમાં કચ્છ ભાજપનો ઉજળો ઇતિહાસ જાળવી રાખશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.

રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે કાર્યકર્તાએ ભાજપ માટે પ્રાણ છે અને સંગઠન પ્રાણવાયુ છે. સેંકડો કાર્યકરોમાંથી જ્યારે જે તે જવાબદારી માટે વ્યક્તિગત ધોરણે તમારી પસંદગી કરવામાં આવી છે ત્યારે પાર્ટીએ તમારા પર મુકેલા આ વિશ્વાસને સાર્થક કરીને પદ અને પક્ષની ગરિમા સંપૂર્ણપણે જાળવીને આગળ વધશો એવી શુભકામના પાઠવું છું. આ પ્રસંગે જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા તેમજ ધારાસભ્યો માલતીબેન મહેશ્વરી અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ તેમના પ્રસંગિક ઉદબોધનમાં સંગઠનનો મહિમા વર્ણવીને તમામ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન સહ શ્રેષ્ઠ જવાબદારીઓ નિભાવવા શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેષભાઇ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, પ્રદેશ વિશેષ આમંત્રિત સદસ્ય અરજણભાઈ રબારી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખો દિલીપભાઈ ત્રિવેદી, અરુણભાઈ વછરાજાની, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, કે.ડી.સી.સી. બેન્ક ચેરમેન દેવરાજભાઈ ગઢવી તેમજ જિલ્લા ભાજપ હોદેદારશ્રીઓ, જિલ્લા મોરચાના હોદેદારો, તમામ મંડળના હોદેદારશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મીતભાઈ ઠક્કર, સમગ્ર કાર્યક્રમ સંચાલન મોમાયાભા ગઢવી જ્યારે આભાર વિધિ ભુજ તાલુકા ભાજપ મહામંત્રી અશોકભાઈ બરાડીયાએ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

(12:18 PM IST)