News of Tuesday, 17th February 2026
વડાળી ધામમાં શ્રદ્ધાનો સૂર્યોદયઃ ૨૧ કુંડી મહાયજ્ઞથી ગુંજી ઉઠશે ભક્તિનો નાદ
મા વિહોતના આંગણે ૨૧ ફેબ્રુઆરીથી ત્રિદિવસીય આસ્થાનો મેળાવડોઃ રાજકોટ-ભાવનગર હાઈવે પર ભક્તિનો મહાકુંભ રચાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રની ધર્મપ્રિય જનતા માટે આસ્થાનું કેન્દ્ર બનેલા રાજકોટ નજીક આવેલા વડાળી ધામ ખાતે આગામી દિવસોમાં ભક્તિનો માહોલ જામશે. ભાવનગર હાઈવે પર સ્થિત પ્રસિદ્ધ શ્રી વિહોત માતાજી મંદિર ખાતે ૨૧ ફેબ્રુઆરીથી ત્રિદિવસીય શ્રી મહારુદ્ર ૨૧ કુંડી મહાયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર અવસરે માઈભક્તોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
આ ધાર્મિક મહોત્સવનો પ્રારંભ શનિવાર, તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ વિધિવત રીતે થશે. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાષોક્ત મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં આહુતિઓ અર્પણ કરવામાં આવશે. કાર્યક્રમના અંતિમ દિવસે એટલે કે સોમવાર, ૨૩ ફેબ્રુઆરીના રોજ બપોરે ૩:૩૦ કલાકે બીડું હોમાશે અને યજ્ઞની પૂર્ણાહુતિ થશે.
આ મહોત્સવ માત્ર ધાર્મિક વિધિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ અહીં સેવાનો પણ અનોખો સંગમ જોવા મળશે. પૂજારી શ્રી કાંતિબાપુના માર્ગદર્શન હેઠળ ત્રણેય દિવસ દરમિયાન દર્શનાર્થે આવતા તમામ ભાવિકો માટે બપોરે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
વડાળી ધામ ખાતે યોજાનારા આ મહારુદ્ર યજ્ઞમાં દર્શન, પૂજન અને મહાપ્રસાદનો લાભ લેવા માટે સમગ્ર પંથકના ભાવિકોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજકઃ પૂજારી શ્રી કાંતિબાપુ (વડાળી ધામ) સંપર્કઃ ૯૯૧૨૧ ૨૧૭૨૮
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
