<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

પોરબંદરના રાજીવનગરમાં ગેરકાયદે બાંધકામો હટાવાયા

જાહેર રસ્‍તા ફુટપાથ અને સરકારી જમીન ઉપર કોઇ પણ દબાણો નહી કરવા મહાનગરપાલીકાનો લોકોને અનુરોધ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૭ :  મહાનગર પાલીકા દ્વારા રાજીવનગર  વિસ્‍તારમાં ગેરકાયદે બાંધકામો હટાવીને કિંમતી જગ્‍યા ખુલી કરી હતી.

 મહાનગરપાલિકાના ટાઉન પ્‍લાનિંગ વિભાગ દ્વારા શહેરમાં નિયમિત દેખરેખ અને શહેરી આયોજનના નિયમોનું કડક પાલન થાય તે માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત  રાજીવનગર વિસ્‍તારમાં જાહેર માર્ગ પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ કમ્‍પાઉન્‍ડ વોલ તથા અન્‍ય બાંધકામને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. રાજીવ નગર વિસ્‍તારમાં જાહેર રસ્‍તા ઉપર કમ્‍પાઉન્‍ડ વોલ બનાવી દબાણ કરવામાં આવ્‍યું હતું, જેના કારણે માર્ગ સંકોચાયો હતો અને સ્‍થાનિક નાગરિકોને અવરજવર કરવામાં અડચણો ઉભી થઈ રહી હતી.

આ બાબત ટાઉન પ્‍લાનિંગ વિભાગના ધ્‍યાન પર આવતા સ્‍થળ નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. તપાસ દરમિયાન બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાતા દબાણ દૂર કરવામાં આવ્‍યું હતું. મ્‍યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન અને સૂચનાથી મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનિંગ વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકાના અન્‍ય વિભાગોને સાથે રાખી ગેરકાયદેસર બાંધકામને તોડી દૂર કરવામાં આવ્‍યું હતું.

મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને અનુરોધ કર્યો છે કે જાહેર રસ્‍તા, ફૂટપાથ અથવા સરકારી જમીન ઉપર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ કે દબાણ ન કરે. શહેરને સ્‍વચ્‍છ, સુવ્‍યવસ્‍થિત અને ટ્રાફિક દ્રષ્ટિએ સુરક્ષિત બનાવવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે, તેવું ટાઉન પ્‍લાનિંગ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્‍યું હતું

(1:36 PM IST)