<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ર૦૩ કિલો ડ્રગ્‍સનો જથ્‍થો પંજાબ પહોંચાડવાનો હતો...?

પોરબંદરમાં સુરક્ષા એજન્‍સીઓ દ્વારા ડ્રગ્‍સ સાથે ઝડપાયેલા ર ઇરાની શખ્‍સોની આકરી પુછપરછઃ ડ્રગ્‍સની હેરાફેરીમાં હાઇસ્‍પીડનો ઉપયોગ કરાયો હતો પોરબંદર અરબી સમુદ્રમાં અત્‍યાર સુધીમાં ઝડપાયેલા અનેક ડ્રગ્‍સ કન્‍સાઇમેન્‍ટના મુખ્‍ય સુત્રધારો અને કોને ડીલીવરી? સહિતની વિગતો મેળવવામાં સુરક્ષા એજન્‍સીઓને એકપણ સફળતા મળી નથી કરોડોના ડ્રગ્‍સ સાથે પકડાયેલા ઇરાનના અબ્‍દુલ મજીદ ઇસ્‍માઇલ અને અબ્‍દલુ સત્તાર કાદરબક્ષની તસ્‍વીર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ :.. અરબી સમુદ્રમાં હાઇસ્‍પીડ બોટમાં ર૦૩ કિલો ડ્રગ્‍સનો જથ્‍થો પંજાબ પહોંચાડવાનો હોવાનું ખૂલ્‍યું છે. આ કરોડોની કિંમતનું ડ્રગ્‍સ  પંજાબ પહોંચે તે પહેલા ભારતીય કોસ્‍ટગાર્ડ અને ગુજરાત એટીએસએ બોટને પકડીને બોટમાં રહેલા ઇરાનના અબ્‍દુલ મજીદ ઇસ્‍માઇલ અને અબ્‍દુલ સત્તાર કાદરબક્ષને ડ્રગ્‍સ જથ્‍થા સાથે પોરબંદર એસઓજી. ઓફીસે લાવીને પુછપરછ શરૂ કરી છે.

ડ્રગ્‍સના જથ્‍થાની હેરાફેરીમાં પકડાયેલા અબ્‍દુલ મજીદ અને અબ્‍દલુ સતાર બન્ને પેડલેગર હોવાનું અને આ બન્નેની પુછપરછમાં ડ્રગ્‍સના મુખ્‍ય સપ્‍લાયરનું નામ સહિત વિગતો બહાર આવે તેવી સંભાવના છે.

એ.ટી.એસ.ને  ચોકકસ મળેલા આઉટપુર મુજબ  પોરબંદરથી ૧૪૦ નોટીકલ માઇલ દૂર સમુદ્રમાંથી એક બોટ પસાર થવાની છે. જેમાં મોટી માત્રામાં ડ્રગ્‍સ લાવવામાં આવી રહ્યું છે તેથી એ.ટી.એસ.ની ટીમે દરિયાની અંદર ઓપરેશન હાથ ધર્યું હતું. શંકાસ્‍પદ જણાતી સ્‍પીડ બોટનો પીછો કરીને અટકાવીને તેમાંથી તપાસ હાથ ધરતા ઇરાનના બે નાગરિક મળી આવ્‍યા હતા અને ૨૦૩ કિ.ગ્રાથી વધુ માત્રામાં ડ્રગ્‍સનો જથ્‍થો મળી આવ્‍યો હોવાથી એ.ટી.એસ.ના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. તેઓની આકરી પૂછપરછ માટ પોરબંદર લાવવામાં આવ્‍યો છે.

એ.ટી.એસ.ના અધિકારીઓએ જણાવ્‍યું હતું કે વર્ષ ૨૦૨૫ દરમિયાન જ ગુજરાતમાંથી ૨૨૪૦ કરોડનું સીન્‍થેટીક ડ્રગ્‍સ પકડાયું છે અને ગુજરાતના વિશાળ દરિયાકાંઠેથી ડ્રગ્‍સ ઘૂસાડીને ગુજરાત સહિત દેશના અન્‍ય રાજ્‍યોમાં મોકલવામાં આવતો હોય છે ત્‍યારે ચોક્કસ પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ હતી અને તે અનુસંધાને આઇ.એમ.બી.એલ. નજીક જઈને શંકાસ્‍પદ જણાતી સ્‍પીડ બોટને અટકાવવામાં આવી હતી.

પાકિસ્‍તાનને અડીને આવેલા વિસ્‍તારમાંથી આ ડ્રગ્‍ઝ મોકલવામાં આવ્‍યું છે અને બોટમાંથી ખાવા પીવાનો થોડા દિવસોનો સામાન પણ મળી આવ્‍યો છે તેથી ટૂંકા સમયગાળા માટે આ ડિલિવરી કરવાની હોવાનું જાણવા મળ્‍યું છે સ્‍પીડ બોટને કારણે તાત્‍કાલિક મુદામાલ નિયત જગ્‍યાએ પહોંચાડીને વહેલી તકે ઈરાન પહોંચી જવાનો મલીન ઇરાદો આ બન્ને ઇરાની શખ્‍સો ધરાવતા હતાં. જે એટીએસએ પાર પાડવા દીધો નહોતો.

એ.ટી.એસ.ની ટીમે પકડેલા બે ઈસમો અબ્‍દુલ મજીદ ઈસ્‍માઈલ અને અબ્‍દુલ સતાર કાદર બક્ષની પોરબંદર ખાતે જુદી જુદી સુરક્ષા એજન્‍સીઓ દ્વારા આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેઓએ એવી પ્રાથમિક કબુલાત આપી છે કે ઈરાન ખાતેથી તેઓ ડ્રગ્‍ઝનો જથ્‍થો લઈને નીકળ્‍યા હતા અને પંજાબ ખાતે પહોંચાડવાનો હતો.પોરબંદરના દરિયામાં અત્‍યાર સુધીમાં ઝડપાયેલા અનેક ડ્રગ્‍સ કન્‍સાઇમેન્‍ટના મુખ્‍ય સુત્રધારો અને કોને ડીલીવરી આપવાની હતી? તે સહિતની વિગતો મેળવવામાં તપાશનીસ સુરક્ષા એજન્‍સીઓને એકપણ સફળતા મળી નથી

(11:43 AM IST)