<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

કચ્‍છના મુન્‍દ્રાના કાંડાગરામા ઉશ્‍કેરાયેલા ટોળાનો પોલીસ ઉપર પથ્‍થરમારોઃ કાર સળગાવીઃ ૩૦૦ કામદારોના ટોળા સામે ગુનો

પોલીસને નાસવું પડયું, કામદારના આપઘાત બાદ લાશ સોંપવા મુદ્દે ઘર્ષણ, પોલીસ કાફલો ખડકાયા બાદ શાંતિ, પરપ્રાંતીય કામદારોમાં દારૂ અને દાદાગીરીનું દૂષણ પોલીસને ગાંઠતા નથી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯: કચ્‍છના મુન્‍દ્રા તાલુકાના કાંડાગરા ગામે લેબર કોલોનીમાં કામદારો અને પોલીસ વચ્‍ચે ઘર્ષણ બાદ પથ્‍થરમારો થતાં પોલીસને નાસવું પડ્‍યું હતું. આપઘાત કરનાર કામદારની લાશને પીએમ માટે પોલીસને સોંપવાની વાતે તેના પરિવારજનો આવે ત્‍યારબાદ સોંપવાના કામદારોના આગ્રહ વચ્‍ચે વિવાદ થયો અને ઘર્ષણ સર્જાયું હતું.

કાંડાગરાની એમપીએલ કોલોનીમાં રહેતો ૩૧ વર્ષીય કામદાર નીરજ ભાગેન્‍દ્ર મહંતોએ આત્‍મહત્‍યા કરી હતી. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ કાર્યવાહી માટે અહીં પહોંચી હતી.

પોલીસે પીએમ માટે લાશને હોસ્‍પિટલ ખસેડવાની તજવીજ કરતા અન્‍ય કામદારોએ તેના પરિવારજનો આવે તેની રાહ જોવાનો પોલીસને આગ્રહ કરતાં બોલાચાલી વિવાદ અને ઘર્ષણ શરૂ થયું અને પોલીસ ઉપર પથ્‍થરમારો કરાયો. કામદારો અને પોલીસ વચ્‍ચે આ વિવાદ અને ઘર્ષણના સમાચાર લેબર કોલોનીમાં ફેલાતા કામદારોના ટોળા એકત્ર થવા લાગ્‍યા હતા.

દરમ્‍યાન પથ્‍થરમારો કારના કાંચ તોડી સળગાવવાના પ્રયાસને પગલે પોલીસ કર્મીઓ ત્‍યાંથી નાસી છૂટયા હતા. જોકે, સમગ્ર બનાવની પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાયા બાદ પોલીસ કાફલો ખડકાઈ ગયો હતો અને પોલીસે સીસી ટીવીના આધારે ઓળખ પરેડ આદરી ૩૫ કામદારોની અટક કરી હતી.

હાલમાં મુન્‍દ્રા પોલીસે ૭ કામદારો વિરુદ્ધ નામજોગ ફરિયાદ લખી ૩૦૦ કામદારોના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે. જોકે, પરપ્રાંતીય કામદારોની વસાહત લેબર કોલોનીમાં દેશી દારૂ અને દાદાગીરીનું દૂષણ ઘૂસી ગયું છે આ કામદારો પોલીસને ગાંઠતા નથી.

બેલગામ કામદારો દ્વારા અગાઉ પણ લેબર કોલોનીમાં પોલીસ ઉપર પથ્‍થરમારાના બનાવો બની ચૂકયા છે. કચ્‍છમાં કાયદો અને વ્‍યવસ્‍થાને પડકાર ફેંકતા આ બનાવમાં ટોળાએ સળગાવેલી ખાનગી ક્રેટા કાર પોલીસ કર્મીની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.(૪૦.૧૮)

(11:10 AM IST)