News of Thursday, 19th February 2026
ટંકારાના હમીરપર પાસે બે કાર વચ્ચે ભીષણ અકસ્માતઃ ૬ ગંભીરઃ દારૂના નશામાં ડ્રાઈવિંગે સર્જયો કહેર? : જુઓ વિડિયો
અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ગાડીઓના કુરચા બોલી ગયાઃ અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લોકોમાં ભારે રોષ જોવા મળ્યોઃ અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂની બોટલ મળી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૧૯: ટંકારા તાલુકાના હમીરપર ગામના પાટિયા પાસે આજે બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ગાડીઓના કુરચા બોલી ગયા હતા. ઘટના સ્થળેથી દારૂનો જથ્થો મળી આવતા ‘‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ''ને કારણે આ દુર્ઘટના બની હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, મિતાણાથી નેકનામ તરફ જઈ રહેલી પંચ ગાડી (GJ 10 DR 0611) અને સામે છેડે નેકનામથી મિતાણા તરફ આવી રહેલી વેગનર કાર (GJ 10 DE 2735) વચ્ચે હમિરપર ગામ નજીક સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. વેગનર કારમાં સવાર ૫ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે સામેની પંચ ગાડીના ચાલકને પણ શરીરે ગંભીર ઈજાઓ થઈ છે.
ઘટનાની જાણ થતા જ ત્રણ ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ ૬ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પડધરીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.જ્યારે એક કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કાર ચાલક નશાની હાલતમાં હોવાને કારણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
ટંકારા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
