News of Thursday, 19th February 2026
ધ્રોલ પાટીદાર સમાજ સ્નેહમિલનમાં જેરામબાપાના સામાજિક કુરિવાજો પર આકરા પ્રહારો - "બ્યુટી પાર્લરના એવા ઘોડા ઉપાડ્યા છે કે વાત પૂછો માં, દેખાદેખી અને ફેશન છોડી પરિવાર બચાવો" : જુઓ વિડીયો
છૂટાછેડાના કિસ્સામાં પિતા દ્વારા કરાતી કરોડોની માંગણીને ભયંકર દૂષણ ગણાવતા જેરામભાઈ પટેલ : સાંસદ પરષોત્તમ રૂપાલાએ વાલીઓને ટકોર કરી જણાવ્યું કે જો આજે બાળકોને સમય નહીં આપો તો આવતીકાલે તેઓ પણ તમને સમય નહીં આપે

સંજય ડાંગર દ્વારા, ધ્રોલ : ધ્રોલ ખાતે આયોજિત કડવા પાટીદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સામાજિક અગ્રણી જેરામ પટેલે વર્તમાન સામાજિક પરિસ્થિતિ અને લગ્ન પ્રસંગોમાં વ્યાપેલી આંધળી દેખાદેખી પર અત્યંત ધારદાર અને આત્મમંથન જગાવતી ટકોર કરી હતી. આ કાર્યક્રમમાં સમાજમાં વધતા જતા છૂટાછેડાના પ્રમાણ અને ખોટા ખર્ચાઓ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
છૂટાછેડા અને આર્થિક માંગણી પર આકરા પ્રહારો
જેરામ પટેલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તેમણે સૌથી વધુ દુઃખ એ વાતનું વ્યક્ત કર્યું કે જો દીકરીને સાસરે ન રહેવું હોય, તો તેનો પિતા સમાધાન કે છૂટાછેડાના બદલામાં સામે પક્ષે કરોડો રૂપિયાની માંગણી કરે છે. આ પ્રથાને તેમણે ભયંકર સામાજિક દૂષણ ગણાવતા ઉમેર્યું હતું કે આપણી આર્થિક પ્રગતિ ભલે થઈ હોય, પરંતુ સામાજિક વ્યવસ્થા જાળવવામાં આપણે અન્ય સમાજો પાસેથી ઘણું શીખવાનું બાકી છે.
બ્યુટી પાર્લરના ક્રેઝ અને ફેશન પર કટાક્ષ
લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ અને બ્યુટી પાર્લરના વધતા ક્રેઝ પર હળવી શૈલીમાં કટાક્ષ કરતા જેરામબાપાએ કહ્યું કે, "આજના લગ્નોમાં તો બ્યુટી પાર્લરના એવા ઘોડા ઉપાડ્યા છે કે વાત પૂછો માં!" તેમણે ટકોર કરી હતી કે કુદરતે આપેલા સૌંદર્યનો સ્વીકાર કરવો જોઈએ. વધુમાં તેમણે રમૂજી અંદાજમાં ઉમેર્યું કે જો કોઈને પોતાના રૂપ બાબતે સંતોષ ન હોય તો તેમણે દક્ષિણ ભારતમાં જઈ આવવું જોઈએ, જેથી સમજાય કે ભગવાને આપણને કેટલું સારું રૂપ આપ્યું છે. તેમણે બહેનોને અતિશય ફેશન અને ભાઈઓને વ્યસન છોડવા અપીલ કરી હતી.
સાંસદ રૂપાલાની વાલીઓને ગંભીર ચેતવણી
આ પ્રસંગે ઉપસ્થિત રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે બાળકોને મોબાઈલ આપીને શાંત રાખવાની આદત ભવિષ્યમાં ભારે પડી શકે છે. તેમણે ગંભીર ટકોર કરતા કહ્યું કે, "જો આજે તમે તમારા બાળકોને સમય નહીં આપો, તો આવતીકાલે તેઓ પણ તમને સમય નહીં આપે." પરિવાર વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે તેમણે સંસ્કારોનું સિંચન કરવા પર ભાર મૂક્યો હતો.
શિક્ષિકાઓનું સન્માન
સ્નેહમિલન કાર્યક્રમમાં માત્ર પ્રવચનો જ નહીં પરંતુ સમાજ સેવાનું ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે પાયાનું યોગદાન આપી સમાજની પેઢીઓ ઘડનાર નિવૃત્ત શિક્ષિકા બહેનોનું આ પ્રસંગે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ પરિવાર વ્યવસ્થા મજબૂત બનાવવા અને સામાજિક દૂષણોથી દૂર રહેવા સંકલ્પ કર્યો હતો.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
