<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

જોડીયા પાસેના ભરવાડ જ્ઞાતિના સમૂહલગ્નમાં જતા વાવડીના પશુપાલકનું માટીના ઢગલા સાથે બાઇક અથડાતા મોત

જોખમી ડ્રાયવર્ઝને નિર્દોષનો ભોગ લીધોઃ બાદનપર-કુન્નડ રોડપર જીવલેણ અકસ્‍માત

 (સંજય ડાંગર) ધ્રોલ, તા.૨૦: જોડીયા તાલુકામાં માર્ગ પરના ડાયવર્ઝનને કારણે એક કરુણ અકસ્‍માત સર્જાયો છે, જેમાં એક આધેડનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્‍યું છે. અંધારામાં માટીના ઢગલા ન દેખાતા બાઇક પટકાયું હોવાની વિગતો સામે આવી છે.

વિગતો અનુસાર, જોડીયા તાલુકાના વાવડી ગામે રહેતા અને મજૂરી કામ કરતા ૫૦ વર્ષીય અરજણભાઇ પબાભાઇ ટોયટા ગત તા. ૧૯/૦૨/૨૦૨૬ના રોજ સાંજ પોતાના ગામ વાવડીથી હીરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર મોટરસાઇકલ (નંબર જીજે.૧૦.એડી.૭૭૬૨) લઇને બાદનપર ગામ પાસે આયોજિત ભરવાડ સમાજના સમૂહલગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.

તેઓ જ્‍યારે બાદનપર પાટીયાથી કુન્નડ ગામના પુલ વચ્‍ચે આવેલા નાળા પાસે પહોંચ્‍યા, ત્‍યારે ત્‍યાં માર્ગ પર ડાયવર્ઝન કાઢવામાં આવ્‍યું હતું. રાત્રિના સમયે અંધારું હોવાના કારણે રોડ પર કરવામાં આવેલા માટીના ઢગલા તેઓ જોઈ શકયા ન હતા. પરિણામે તેમનું મોટરસાઇકલ માટીના ઢગલા સાથે અથડાયું હતું. અકસ્‍માત એટલો ગંભીર હતો કે અરજણભાઇએ બાઇક પરનો કાબુ ગુમાવી દીધો હતો અને નીચે પટકાતા તેમનું માથું પથ્‍થર સાથે અથડાયું હતું.

માથાના ભાગે, કપાળ અને નાક પર ગંભીર ઇજાઓ પહોંચવાને કારણે તેમનું કરુણ મોત નીપજ્‍યું હતું. આ બનાવની જાણ થતા જ મળતકના ભાઈ કનુભાઈ પબાભાઇ ટોયટા સહિતના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્‍યું હતું. બનાવ અંગે જોડીયા પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ એમ.ડી. શિયાર દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. (૩.૮)

(10:58 AM IST)