News of Friday, 20th February 2026
ધ્રોલની જી.એમ. સ્કૂલ ખાતે કડવા પાટીદાર સમાજનું ભવ્ય સ્નેહમિલન યોજાયું
બાળકોને પણ સમય આપો નહિ તો બાળકો તમને સમય નહિં આપે : જેરામબાપા તથા સાંસદ રૂપાલાની ધારદાર ટકોર

ધ્રોલ : (સંજય ડાંગર દ્વારા) જામનગર જિલ્લાના ધ્રોલ મુકામે આવેલી જી.એમ. સ્કૂલના વિશાળ પ્રાગણમાં તાજેતરમાં કડવા પાટીદાર સમાજ દ્વારા એક ભવ્ય ‘સ્નેહમિલન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજની નિવૃત્ત શિક્ષિકા બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જે આ સમારોહનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું.
આ પ્રસંગે ઉમીયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયા (પટેલ) એ સમાજની વર્તમાન પરિસ્થિતિ પર અત્યંત ધારદાર અને આત્મમંથન જગાવે તેવી ટકોર કરી હતી. તેમણે સમાજમાં ચિતાજનક રીતે વધતા છૂટાછેડાના કેસો અને લગ્ન પ્રસંગોમાં વ્યાપેલી આંધળી દેખાદેખી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો દીકરીને સાસરે ન રહેવું હોય તો પિતા છૂટાછેડાના બદલામાં કરોડો રૂપિયાની માંગણી કરે છે, જે એક ભયંકર સામાજિક દૂષણ છે. તેમણે અન્ય સમાજોના ઉદાહરણ આપીને પાટીદાર સમાજને સામાજિક વ્યવસ્થામાં હજુ ઘણું શીખવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
વધુમાં, જેરામબાપાએ લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ અને બ્યુટી પાર્લરના વધતા ક્રેઝ પર હળવી શૈલીમાં કટાક્ષ કરતા કહ્યું કે, ‘આજના લગ્નોમાં તો બ્યુટી પાર્લરના એવા ઘોડા ઉપાડ્યા છે કે વાત પૂછો માં!' તેમણે પોતાનો કિસ્સો શેર કરતા ઉમેર્યું કે કુદરતે જે સૌંદર્ય આપ્યું છે તેનો સ્વીકાર કરવો જોઈએ. ભગવાને આપણને ઘણું સારું રૂપ આપ્યું છે, જે અન્ય સ્થળોએ જવાથી સમજાય છે.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલાએ વાલીઓને ગંભીર ટકોર કરતા જણાવ્યું હતું કે, બાળકોને મોબાઈલ આપીને શાંત રાખવાની આદત ભવિષ્યમાં ભારે પડશે. જો આજે તમે બાળકોને સમય નહીં આપો, તો આવતીકાલે તેઓ પણ તમને સમય નહીં આપે.
કાર્યક્રમના અંતે શ્રી જેરામભાઈ પટેલે સમાજને અપીલ કરી હતી કે ભાઈઓ વ્યસન છોડે અને બહેનો અતિશય ફેશન તથા દેખાદેખીથી દૂર રહી પરિવાર વ્યવસ્થાને મજબૂત બનાવે.
આ સ્નેહમિલનમાં ધ્રોલ અને આસપાસના વિસ્તારના પાટીદાર અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત રહી હતી.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
