News of Saturday, 21st February 2026
ભાવનગર પાસે પોણા ચાર લાખનો દારૂ ઝબ્બે

ભાવનગર, તા.૨૧: ભાવનગર પોલીસે વિદેશી દારૂની કુલ ૨૩૦૪ બોટલો ઝડપી લઇ દારૂની કિંમત રૂ.૩,૪૬,૧૩૬, કારની કિંમત રૂ.૮,૦૦,૦૦૦ સહિત કુલ રૂ.૧૨,૧૧,૧૩૬ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પેરોલ ફર્લો સ્ક્વોડ સતત કાર્યરત છે. આ અંતર્ગત ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે એક KIA ફોર વ્હીલર નંબરઃ GJ-05-RN-4339 માં વિદેશી દારૂનો મોટો જથ્થો ભાવનગર તરફ આવી રહ્યો છે.
આ બાતમીના આધારે ભાવનગર-રાજકોટ હાઈવે પર રાજપરા ખોડિયાર મંદિર પાસે વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી ભગાવી હતી, પરંતુ ટીમે પીછો કરી વરતેજ રેલવે ક્રોસિંગ પાસે કારને આંતરી લીધી હતી.
પોલીસની તપાસ દરમિયાન કારમાંથી દારૂની કુલ ૨૩૦૪ બોટલો મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ કરી છે. જેમાં મગનરામ બાબુલાલ ભાદુ (રહે.બાડમેર, રાજસ્થાન), જીતારામ ભોગીરામ પવાર (રહે.બાડમેર, રાજસ્થાન) જ્યારે કિશન મોહનલાલ ખટીક (રહે.બાડમેર, રાજસ્થાન), મનોહર ઉર્ફે મનુ (રહે.સાંચોર) અને ધનશ્યામ ઉર્ફે ધનો સાંખલા (રહે.શિહોરી, જી. બનાસકાંઠા)ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્ક્વોડના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. (
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
