<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

સોમનાથના સમુદ્રમાં સાહસનું ‘સ્વાભિમાન પર્વ’: 150 કિમી લાંબા સી-સ્વિમિંગ અને કાયકિંગ અભિયાનનો ભવ્ય પ્રારંભ

આધ્યાત્મિકતા અને સાહસનો અદભૂત સંગમ: 10 દિવસીય દિલધડક સમુદ્રી સફર સોમનાથથી દેલવાડા સુધી ગુંજશે

પ્રભાસ પાટણ: પરમ પૂજ્ય સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને સમુદ્ર દેવતાના આશીર્વાદ સાથે આજે સોમનાથ બીચ પરથી “સોમનાથ સ્વાભિમાન પર્વ – ૨૦૨૬” અંતર્ગત એક અભૂતપૂર્વ સાહસિક અભિયાનનો શંખનાદ કરવામાં આવ્યો છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન (RDSA) દ્વારા આયોજિત આ 150 કિલોમીટર લાંબા ઓપન વોટર સી સ્વિમિંગ અને કાયકિંગ અભિયાનને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ દસ દિવસીય સફરનો પ્રારંભ સોમનાથથી થઈ આગામી 2 માર્ચના રોજ દેલવાડાના સિમોર બીચ ખાતે પૂર્ણાહુતિ થશે.

પ્રથમ દિવસે જ ખેલાડીઓએ બતાવ્યો દમ અભિયાનના પ્રથમ દિવસે જ યુવા સ્વિમર્સ અને કાયકિંગ ટીમે ઉછળતા મોજાઓ વચ્ચે આશરે 15 કિલોમીટરનું અંતર સફળતાપૂર્વક કાપીને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. આ સાહસિક ટુકડીમાં 14 વર્ષના કિશોરથી લઈને 20 વર્ષના યુવાનો સામેલ છે, જેઓ શારીરિક અને માનસિક દૃઢતા સાથે દરિયાઈ સીમાઓ સર કરી રહ્યા છે. લાઈફ સેવિંગ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડન્ટ સેબેસ્ટિયન સર દ્વારા દરિયામાં જીવનરક્ષક કૌશલ્યોનું વિશેષ ડેમોન્સ્ટ્રેશન પણ યોજાયું હતું.

સામાજિક જાગૃતિનો સમુદ્રી સંદેશ આ માત્ર રમતગમતની પ્રવૃત્તિ નથી, પરંતુ તેનો મુખ્ય હેતુ યુવાનોમાં આધ્યાત્મિકતા, પર્યાવરણ સંરક્ષણ અને વ્યસનમુક્તિ જેવા ઉમદા વિચારોનો વ્યાપ વધારવાનો છે. ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારા અને પૂર્વ રમત-ગમત મંત્રી શ્રી ઉમેશભાઈ રાજ્યગુરુ સહિતના મહાનુભાવોએ આ અભિયાનને યુવા પેઢી માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. આ ભવ્ય આયોજનમાં સ્પોર્ટ્સ જગતના અગ્રણીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

(11:15 PM IST)