News of Monday, 23rd February 2026
ઉત્તરપ્રદેશથી ગુમ થયેલ યુવાન પુત્રનું ભુજમાં પાંચ વર્ષે મા બાપ સાથે થયું મિલન: પુત્રને નિહાળી માતા પિતા ચોધાર આંસુએ રડ્યા
કચ્છની સેવાભાવી સંસ્થા માનવજ્યોતે આશરો આપી પરિવાર સાથે મિલન કરાવ્યું : પરિવારનું એકમાત્ર તે સંતાન હોવાથી પરિવારમાં ખુશીની લહેર ફેલાઇ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ : ઉત્તરપ્રદેશનાં બલીયા જીલ્લાનાં રેઓટી ગામનો યુવાન વિકાસકુમાર તિવારી ઉ.વ. ૨૧ ગુમ થતાં તેનાં માતા-પિતાએ તેની ખૂબ જ ચિંતા સેવી, સતત શોધ ચલાવી હતી. પણ કયાં પણ એની ખબર નમળતાં પરિવારજનો નિરાશ થયા હતા.
અનેક રાજ્યોનાં શહેરો,ગામડાઓમાંથી તે રખડતો-ભટકતો રહ્યો હતો. આખરે પાંચ વર્ષ પછી તે રેલ્વે માર્ગે ભુજ આવી પહોંચ્યો હતો. જુન-૨૦૨૫ માં માનવજ્યોતને મળી આવતાં સંસ્થાએ તેનું ઘર,પરિવાર શોધવા ખૂબજ માથામણ કરી પણ ઘર પરિવાર મળતા નહતા. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ યુ.પી. પોલીસની મદદથી તેનાં ઘર, પરિવાર શોધી કાઢ્યા. પિતા અરૂણ તિવારી, માતા ચિંતાદેવી સમાચાર પ્રાપ્ત થતાં જ ઉત્તરપ્રદેશથી ભુજ પહોંચ્યા હતા. માતા-પિતાનાં વ્હાલસોયા એકમાત્ર સંતાન વિકાસને ભેટી પડી બંને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. પાંચ વર્ષ પછી માતા-પિતાનું પુત્ર સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.આખરે તે ૨૬ વર્ષનો થઇ પોતાનાં ઘર-પરિવાર સુધી પહોંચ્યો છે. પરિવારનું એકમાત્ર તે સંતાન હોવાથી પરિવારમાં ખુશીની લહેર ફેલાઇ હતી. પરિવારે માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહેદવસિંહ જાડેજા, દિપેશ શાહ, અક્ષય મોતા, શ્રવણ ડાભી સહભાગી બન્યા હતા.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
