News of Tuesday, 24th February 2026
દ્વારકા જતા પદયાત્રીઓ માટે લોધિકાના માખાવડ પાટીયા પાસે જય રામદેવ ગ્રુપ દ્વારા ભવ્ય રાહત છાવણી: ૨૪ કલાક ભોજન અને તબીબી સારવારની સુવિધા : જુઓ વિડીયો
મવડી-રાજકોટના મહેશભાઈ સોરઠીયા અને પંકજભાઈ સોરઠીયા સહિતના સેવાભાવીઓ દ્વારા વિશાળ પટાગણમાં આયોજન; સવારનો નાસ્તો, આઈસ્ક્રીમ અને લીંબુ શરબત સાથે પદયાત્રીઓની કરાતી અનેરી સેવા

(સલીમ વલોરા દ્વારા)લોધિકા: દ્વારકા ખાતે આગામી ફૂલડોલ મહોત્સવમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને જઈ રહ્યા છે. પદયાત્રીઓના આ પ્રવાહને ધ્યાનમાં રાખીને લોધિકા નજીક માખાવડ પાટીયા પાસે મવડી-રાજકોટના ઉત્સાહી ‘જય રામદેવ ગ્રુપ’ દ્વારા શ્રદ્ધાળુઓની સેવા માટે એક વિશાળ રાહત છાવણીનું આયોજન કરવામાં આવ્યું છે. પદયાત્રીઓનો થાક ઉતારવા અને તેમને આરામ મળી રહે તે હેતુથી શરૂ કરાયેલા આ કેમ્પમાં પદયાત્રીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
ભોજન અને રહેવાની ઉત્તમ વ્યવસ્થા
જય રામદેવ ગ્રુપ, મવડી દ્વારા આયોજિત આ છાવણીમાં પદયાત્રીઓ માટે ૨૪ કલાક સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારના સમયે પૌષ્ટિક નાસ્તો, બપોરે અને રાત્રે શુદ્ધ જમણવાર પીરસવામાં આવે છે. ગરમીને ધ્યાનમાં રાખીને પદયાત્રીઓ માટે દિવસે લીંબુ શરબત, ઠંડુ પાણી, આઈસ્ક્રીમ અને મિનરલ વોટરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રીઓ માટે રહેવા અને આરામ કરવા માટે પણ વિશાળ પટાગણમાં સગવડ ઊભી કરાઈ છે.
તબીબી કેમ્પ અને ૨૪ કલાક સેવા
યાત્રા દરમિયાન પદયાત્રીઓને શારીરિક તકલીફ ન પડે તે માટે છાવણીમાં સ્પેશિયલ હોસ્પિટલ કેમ્પ (મેડિકલ કેમ્પ) પણ કાર્યરત કરવામાં આવ્યો છે. પદયાત્રીઓના પગમાં પડેલા ચાંદા કે અન્ય શારીરિક દુખાવા માટે તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. યાત્રિકોએ રામદેવ ગ્રુપના આ આયોજનને આશીર્વાદ આપી પ્રશંસા કરી હતી.
સેવાભાવી ટીમનો અનેરો ઉત્સાહ
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે જય રામદેવ ગ્રુપના આયોજકો મહેશભાઈ સોરઠીયા, પંકજભાઈ સોરઠીયા, જગદીશભાઈ સોજીત્રા, મનીષભાઈ પીપળીયા, હસમુખભાઈ અકબરી, કેયુરભાઈ સોરઠીયા અને મીતભાઈ સોરઠીયા સહિત અનેક સેવાભાવી યુવાનો ખડેપગે સેવા આપી રહ્યા છે. આ ગ્રુપ દ્વારા પદયાત્રીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને ભક્તિમય માહોલમાં તેમની સુખ-સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
