<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : 22,870 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા.

તમામ પરીક્ષા કેન્દ્રો પર ઓબ્ઝર્વર તરીકે વર્ગ-1 અને 2ના અધિકારીઓ બજાવશે ફરજ : ધો. 10 અને 12ના કુલ 27 કેન્દ્રો, એક પણ સંવેદનશીલ નહિ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. આ માટે મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.
જિલ્લામાં કુલ 22,870 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.
જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કલેક્ટર અને બોર્ડના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 17 જેટલા પરીક્ષા કેન્દ્રો પર કુલ 22,870 વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા, સાફ-સફાઈ અને બેઠક વ્યવસ્થા સહિતની આનુષંગિક કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા અને પારદર્શિતા જાળવવા માટે કલેક્ટર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેમને ઓનલાઈન તાલીમ પણ અપાઈ છે. નોંધનીય બાબત એ છે કે, આ વખતે મોરબી જિલ્લામાં એક પણ કેન્દ્ર સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યું નથી

(10:42 PM IST)