News of Thursday, 26th February 2026
મહુવામાં ગેસ લીકેજ થવાથી બે સિલિન્ડર બ્લાસ્ટ થતા ચાર લોકોને ઈજા

ભાવનગર તા.૨૬: ભાવનગર જિલ્લાના મહુવાના લાતી બજારમાં આવેલા રહેણાંકી મકાનમાં ગેસ લીક થવાથી બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાં હતા. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે ચાર લોકોને ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં મહુવા નગરપાલિકાનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોચી બે કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણ કાબુમાં લીધી હતી.
ખોડિયાર મંદિર પાછળ આવેલા વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ વાળાના રહેણાંકી મકાનમાં ગેસ લીક થવાના કારણે બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાં હતા. ઘટનામાં વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ વાળા, વિજયભાઈ વલ્લભભાઈ વાળા તથા અન્ય બે લોકો મળી કુલ ચાર લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ સિલિન્ડર બ્લાસ્ટ થવાને લીધે થોડીવાર માટે સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આશરે ૩૦થી ૪૦ હજાર લીટર પાણીનો છંટકાવ કરી આગને સંપૂર્ણ કાબુમાં લીધી હતી. આ દુર્ઘટનામાં ઘરનો બધો માલસામાન બળીને ખાક્ થયો હતો. જ્યારે આજુબાજુના મકાનને પણ નાનું મોટું નુકસાન પહોંચ્યું હતું. જોકે સિલિન્ડર બ્લાસ્ટ થવા પાછળનું કારણ અકબંધ રહ્યું છે. આ દુર્ઘટનામાં ચાર લોકોને નાની મોટી ઈજા સિવાય કોઈ જાનહાનિ નહી થતાં મોટી દુર્ઘટના ટળી છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
