તા. ૧૪ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાવદ – ૨ શુક્રવાર
News of Thursday, 26th February 2026
કચ્છમાં ઝડપાયેલ ગાંજાના વિક્રમી વાવેતરની તપાસ ૪ દિવસ થયા હજી ચાલુ: ૩ આરોપીની અટકાયત
અફીણ બનાવવાનું આયોજન હોવાની ચર્ચા વચ્ચે બે એકરમાં ૬ મહિના પહેલાં જંગી વાવેતર કરાયું છતાયે જે તે સમયે સ્થાનિક પીઆઇ અને સ્ટાફ અંધારામાં રહ્યા, બોર્ડર રેન્જ સાયબર પોલીસે ઝડપ્યું, બે, અઢી લાખ છોડવાથી પણ સંખ્યા વધે એવી શક્યતા

રાજકોટ તા.૨૫ : તાજેતરમાં કચ્છમાંથી રાજ્યભરમાં વિક્રમી સંખ્યામાં ૪ કરોડનો દારૂ SMC એ ઝડપ્યો એ સમાચારોના પડઘા હજી શમ્યા નથી ત્યાં હવે રાજ્યભરમાં સૌથી વધુ જંગી માત્રામાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. એ વિશે વધુ માહિતી મેળવીએ તે પહેલા ભૂતકાળને યાદ કરી લઈએ મુન્દ્રા પોર્ટ નજીકથી ૨૧ હજાર કરોડનું વિક્રમી માત્રાનું ડ્રગ્સ અહીંથી ઝડપાઈ ચૂક્યું છે. હાલ ચર્ચા કચ્છના રાપર તાલુકાના ભીમાસર ભુટકિયામાં રેન્જ આઈ.જી.ની સાયબર સેલની ટુકડીએ બે એકર જેટલા વિસ્તારમાં પોષડેડાના છોડના વાવેતરના કરેલા પર્દાફાશની છે. ૨૩ ફેબ્રુ. થી શરૂ થયેલ પોલીસની આ કામગીરી હજી આજે ચોથા દિવસે પણ ચાલુમાં છે. વાવતેર કરાયેલા ગાંજાના છોડની સંખ્યા લાખોમાં જાય તેમ છે અને આ માદક પદાર્થની કિંમત કરોડોને આંબે તેમ છે. આ પ્રકરણમાં હાલ ત્રણેક આરોપીઓનાં નામ સામે આવ્યાં છે. હજુ પોલીસની કાર્યવાહી ચાલુ હોવાથી સત્તાવાર ફરિયાદ દાખલ કરાઈ નથી.
આ ગાંજાના છોડ એવા પોષડેડાનું વાવેતર ભીમાસર ભુટકિયા ગામના આરોપી પ્રભુભાઇ ભાણા સોઢાના કબજાની જમીનમાં થયું હતું. જ્યારે સહઆરોપી તરીકે ઈશ્વરભાઈ ડાહ્યાભાઈ ગોયલ અને મનસુખભાઇ વજાભાઇ ગોયલ (રહે. ત્રણે ભીમાસર) ના નામ સામે આવ્યા છે. આ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સાયબર સેલની ટુકડીએ સોમવારે સાંજના અરસામાં ભીમાસર ભુટકિયાની સીમમાં બાતમીના આધારે દરોડો પાડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન બે એકર જેટલા વિશાળ વિસ્તારમાં પોષડેડા અને અફીણની ખેતીનો પર્દાફાશ થયો હતો. અગાઉ ભાવનગર જિલ્લામાં દોઢ એકર વિસ્તારમાં ખેતી ઝડપાઈ હતી ત્યારે બે એકરમાં નશીલા વાવેતરના પર્દાફાશની આ કાર્યવાહી રાજ્યની સૌથી મોટી કાર્યવાહી હોવાનું મનાઈ રહ્યું છે. ગઈકાલ સુધીમાં કમર સુધી પહોંચેલા છોડનો આંક ૧.૬૦ લાખ જેટલો થયો હતો. હજુ પણ ગણતરી ચાલુ છે ત્યારે આ આંક બે લાખ અથવા તેથી વધુની સંખ્યાને પાર કરે તેમ છે. આ કાર્યવાહી દરમ્યાન મજૂરો શોધવામાં પોલીસને નાકે દમ આવી ગયો હતો અને ભારે મુશ્કેલી પડી હતી. મજૂરોને સવાર-સાંજ મૂકવા સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા કરાઈ હતી અને ઠેઠ ભચાઉ સુધી મજૂર શોધવા પોલીસને લાંબા થવાની ફરજ પડી હતી. આ તપાસનો ધમધમાટ હજી ચાલુ જ છે. વધેલા છોડવા જોતા લાગે છે કે પોષડેડાની ખેતી હાલની નથી. લાંબા સમયથી આ વાવેતર કરાયુ છે, તો જે તે સમયે સ્થાનિક આડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસની આંખે આ ખેતર કેમ ન ચડ્યું તે એક સવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આ આડેસર પો.સ્ટે. ના પી.આઈ.ને એલ.સી.બી.નો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કચ્છના વાગડમાં અગાઉ પણ ગાંજા જેવા માદક પદાર્થની ખેતી ઝડપાઈ ચૂકી છે. પોલીસ કાર્યવાહી ચાલુ છે છોડની સંખ્યા અને કિંમત કાઢી કચ્છ બોર્ડર રેન્જ પોલીસ દ્વારા નાર્કો એક્ટ નીચે કાર્યવાહી હાથ ધરાશે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
