<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ઉનાના ભાચામાં ધમધમતી નકલી બીએડ કોલેજ ઝડપાઇ

એનસીટીઇની બોગસ મંજુરીના આધારે ૨ વર્ષથી ધમધમતી હોવાનો ઘટસ્‍ફોટ

અમદાવાદ, તા.૨૬: ઉના પંથકના ભાચા ગામમાં ‘વનિતાબેન બચુભાઈ નાંડોળા બીએડ કોલેજ' NCTEની બોગસ મંજૂરીના આધારે બે વર્ષ સુધી ધમધમતી હોવાનો ચોંકાવનારો ઘટસ્‍ફોટ થયો છે. વાસ્‍તવમાં NCTE દ્વારા આ કોલેજને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હતી. આ કૌભાંડમાં જવાબદારોએ NCTEના નામે નકલી મંજૂરીપત્ર તૈયાર કરી ગાંધીનગર ઉચ્‍ચ શિક્ષણ વિભાગ અને જૂનાગઢની ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મોકલી આપ્‍યો હતો.

આ બોગસ પત્રને આધારે યુનિવર્સિટીએ પણ કોલેજને વિદ્યાર્થીઓની ફાળવણી કરી દીધી હોવાના અણસાર મળી રહ્યા છે. આટલી મોટી ગેરરીતિ સામે આવ્‍યા બાદ હવે જવાબદારો સામે કડક પોલીસ ફરિયાદ કરવાની માંગ ઉઠી છે.

છેલ્લા ઘણા સમયથી સોરઠ પંથકની બીએડ કોલેજો બોગસ હોવાની રાવ સાથે મોટો વિવાદ સર્જાયો હતો. ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઉપકુલપતિ બદલાતા જ શંકાસ્‍પદ બીએડ કોલેજો સામે તપાસનો ગાળિયો કસાયો હતો, જેના કારણે અનેક કોલેજોની મંજૂરી પણ રદ કરવામાં આવી હતી. આ દરમિયાન ઉનાના ભાચા ગામની વી.બી. નાંડોળા બીએડ કોલેજ બોગસ હોવાના ગંભીર આરોપો વચ્‍ચે આરટીઆઈ(RTI) અંતર્ગત માહિતી માંગવામાં આવી હતી.

આરટીઆઈના જવાબના આધારે કોલેજ પાસે રહેલા મંજૂરીના પત્રો સાચા છે કે ખોટા, તેની એનસીટીઈ(NCTE)માં ખરાઈ કરવામાં આવી હતી. અરજદારે માંગેલી માહિતીના આધારે એનસીટીઈએ ચોંકાવનારો ખુલાસો કરતા સ્‍પષ્ટતા કરી છે કે, તારીખ ૦૫-૦૬-૨૦૨૩ અને તારીખ ૨૫-૦૭-૨૦૨૫ના રોજ અમે કોઈ પત્ર લખ્‍યો નથી કે આવી કોઈ મંજૂરી પણ આપેલી નથી.ઁ આ ઘટસ્‍ફોટ બાદ હવે સૌથી મોટો પ્રશ્‍ન એ ભો થયો છે કે, જે વિદ્યાર્થીઓ અહીં અભ્‍યાસ કરી ચૂકયા છે અને જેમને ડિગ્રી એનાયત થઈ ગઈ છે, તેમનું ભવિષ્‍ય હવે શું?

વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ ઉનાની વી.બી. નાંડોળા બીએડ કોલેજમાં અભ્‍યાસ કર્યો છે. આશ્‍ચર્યની વાત એ છે કે, આ કોલેજ પાસે NCTEની કોઈ માન્‍યતા જ નહોતી, તેમ છતાં ગત વર્ષે ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આ કોલેજની પરીક્ષા લેવામાં આવી હતી. એટલું જ નહીં, આ પરીક્ષાના પરિણામના આધારે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ડિગ્રી પણ એનાયત કરી દેવામાં આવી હોવાનું સામે આવ્‍યું છે. હવે જ્‍યારે કોલેજ બોગસ હોવાનો ઘટસ્‍ફોટ થયો છે, ત્‍યારે યુનિવર્સિટીની કાર્યપદ્ધતિ અને વિદ્યાર્થીઓના ભાવિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

NCTEના લેટરપેડનો દુરુપયોગ કરીને તારીખ ૦૫-૦૬-૨૦૨૩ના રોજ ઉચ્‍ચ શિક્ષણ વિભાગ, ગાંધીનગરને એક પત્ર લખવામાં આવ્‍યો હતો. આ પત્રમાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે વી.બી. નાંડોળા બીએડ કોલેજને ૧૦૦ વિદ્યાર્થીઓની મંજૂરી મળી હોવાનું દર્શાવી, તેમાં NCTEના ક્ષેત્રીય નિર્દેશક ડૉ. મિતુ ભારતીની બોગસ સહી કરવામાં આવી હતી.

ત્‍યારબાદ, વધુ એક કૌભાંડ આચરતા NCTEના જ લેટરપેડ પર તારીખ ૨૫-૦૭-૨૦૨૫ના રોજ ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને સંબોધીને બીજો પત્ર લખાયો હતો. આ પત્રમાં વર્ષ ૨૦૨૩-૨૪ની મંજૂરીનો ઉલ્લેખ કરી, વર્ષ ૨૦૨૫-૨૬માં જો વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવશે તો કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી. આ પત્રમાં રિજનલ ડાયરેક્‍ટર મુકેશકુમારની નકલી સહીનો ઉપયોગ કરીને યુનિવર્સિટીને ગુમરાહ કરવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્‍યું છે.

જ્‍યારે આ સમગ્ર વિવાદ ચાલતો હતો, ત્‍યારે તેને શાંત પાડવા માટે યુનિવર્સિટીના તત્‍કાલીન ઇન્‍ચાર્જ રજિસ્‍ટ્રાર મયંક સોની દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે, ૦૫-૦૬-૨૦૨૩નો મંજૂરી પત્ર સાચો છે કે ખોટો તેની ખરાઈ કરવા માટે ૦૬-૦૨-૨૦૨૪ના રોજ NCTEને પત્ર લખવામાં આવ્‍યો છે.

જોકે, આ મામલે પણ ચોંકાવનારો વળાંક આવ્‍યો છે. RTI અંતર્ગત જ્‍યારે NCTE પાસે પૂછપરછ કરવામાં આવી કે શું તેમને નરસિંહ મહેતા યુનિવર્સિટીનો આવો કોઈ પત્ર મળ્‍યો છે? તેના જવાબમાં NCTEએ સ્‍પષ્ટ જણાવ્‍યું કે, તેમને આવો કોઈ જ પત્ર મળ્‍યો નથી. આમ, યુનિવર્સિટી દ્વારા તપાસના નામે માત્ર સ્‍થાનિક કક્ષાએ ખોટી માહિતી આપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હોય તેવું જણાય છે.

(3:34 PM IST)