News of Friday, 27th February 2026
મોરબીમાં ૫૦ હજારનાં બદલે ૧.૫૦ લાખની માંગની કરી વેપારીને મારી નાખવાની ધમકી
આરોપીની સતત હેરાનગતિથી કંટાળીને વેપારીએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના શક્ત શનાળા વિસ્તારમાં રહેતા એક વેપારીને ધંધા માટે નાણાંની જરૂર પડતા વ્યાજે લીધેલ રકમમાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી વેપારીની કાર પડાવી લેવાયાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ વેપારી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
વિગતો મુજબ, અરવિંદભાઈ પનારા નામના વેપારીએ વર્ષ ૨૦૨૨ માં આરોપી ભરત કાળુભાઈ ગોગરા પાસેથી ૧૦ દિવસ માટે ૫૦,૦૦૦ રૂપિયા ૩૦ % વ્યાજે લીધા હતા. આ રકમના બદલામાં આરોપીએ વેપારીની એસેન્ટ કાર ગીરો રાખી હતી. દસ દિવસ બાદ જ્યારે વેપારી નાણાં પરત કરવા ગયા ત્યારે આરોપીએ કુલ રૂ. ૧,૫૦,૦૦૦ની માંગણી કરી હતી. વેપારીએ આટલું મોટું વ્યાજ આપવા અસમર્થતા દર્શાવતા આરોપીએ કાર પરત આપવાનો ઇનકાર કર્યો હતો અને અવારનવાર પરિવારને પતાવી દેવાની ધમકીઓ આપી હતી. આરોપીની સતત હેરાનગતિથી કંટાળીને વેપારીએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
