<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

જુનાગઢમાં ડુપ્‍લીકેટ વિદેશી દારૂની ફેક્‍ટરી ચલાવનાર શખ્‍સની ધરપકડ

અમરેલી જિલ્લાના ગાવડકા ગામેથી પકડી રિમાન્‍ડ પર મેળવી પૂછપરછ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૭:  બીલખા રોડ પર આવેલ ધરારનગરમાં કોલેજની સામે રહેતો પ્રતાપ શિવુભા સોલંકી પોતાના માણસો મારફતે ઘરારનગરમાં પરમાર વાડીની બાજુમાં સરકારી પાણીના ટાંકાની સામે આવેલ પોતાના મકાનમાં ડુપ્‍લીકેટ ઈંગ્‍લીશ દારૂ બનાવવાની ફેક્‍ટરી ચલાવતો હોવાની બાતમી આધારે ગઇ તા. ૫ જાન્‍યુઆરીના રોજ એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્‍યો હતો.

આ કાર્યવાહીમાં પ્રતાપના ભાઈ રઘુવીરસિંહ ઉર્ફે રઘુની ધરપકડ કરી ડુપ્‍લીકેટ વિદેશી દારૂ ભરેલ ૧૪૮૦ બોટલ, ૪૬૦ લિટર ડુપ્‍લીકેટ દારૂ ભરેલ ટાંકો, કેમિકલ, ખાલી બોટલો,  સહિત રૂપિયા ૧૪,૦૨,૯૧૦નો મુદામાલ કબજે કર્યો હતો.

પોલીસે જુદી જુદી કલમ મુજબ રઘુવીરસિંહ અને જામીન પર છૂટેલો ગુજસીટોકનો આરોપી પ્રતાપ શિવુભા સામે કાર્યવાહી કરી પ્રતાપની શોધખોળ હાથ ધરી હતી.

દરમ્‍યાન મુખ્‍ય આરોપી પ્રતાપ શિવુભા અમરેલી જિલ્લાના ગાવડકા ગામે હોવાની બાતમી મળતા તપાસનીશ પીએસઆઇ વાય. એન. સોલંકીની ટીમે તપાસ કરી ૩૭ વર્ષીય પ્રતાપ સોલંકીને ઝડપી લીધો હતો.

ગઈકાલે આરોપીને ૧૦ દિવસના રિમાન્‍ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે શુક્રવાર સાંજ સુધી ૧ દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા હતા. આ કેસમાં ૨ શખ્‍સ ફરાર હોય તેને પકડવા આરોપીની પૂછપરછ હાથ ધરી હતી.

(12:29 PM IST)