તા. ૬ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૧ મંગળવાર
News of Monday, 2nd March 2026
રાત્રે હોલીકા દહન : કાલે ચંદ્રગ્રહણના કારણે ધુળેટી બુધવારે મનાવાશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં રંગ પર્વને ઉજવવા લોકોમાં થનગનાટઃ મંદીરોમાં વિશેષ કાર્યક્રમો

રાજકોટ, તા., રઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે રાત્રીના હોલીકાદહન સાથે હોળી પર્વ ઉજવાશે. કાલે ચંદ્રગ્રહણ હોવાથી આ વખતે ધુળેટી પર્વ હોળીના બીજા નહી પરંતુ ત્રીજા દિવસે એટલે કે બુધવારે મનાવાશે.
ધોરાજી
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજી માધવ ગૌસેવા ટ્રસ્ટ-દ્વારા ગૌશાળા ના ગાયોના છાણ થી વૈદિક પરંપરા મુજબ હોલિકા દહન આજે સાંજે યોજાશે.
ધોરાજીના ખરાવડ પ્લોટ ખાતે આવેલ માધવ ગૌશાળા ના ભુપતભાઈ કોયાણી એ યાદીમાં જણાવેલ કે આજે ફાગણ સુદ ૧૫ પૂનમ સોમવાર ના રોજ હોળીના તહેવાર નિમિત્તે માધવ ગૌ શાળાની ગાયોના છાણમાંથી માધવ મહિલા સત્સંગ મંડળ દ્વારા છાણા થાપી ભારતીય સંસ્કળતિ તેમજ હિન્દુ ધર્મની પરંપરા મુજબ વૈદિક હોળી પ્રગટાવવાનું આયોજન કરેલ છે. આ હોળી ઉપર પૂર્ણ કદની હોલિકા બેસાડવામાં આવશે. હોળીને રંગબેરંગી કલર તથા ફૂલોથી શણગારી રંગોળી પૂરવામાં આવશે. આજ રોજ રાત્રિના આઠ કલાકથી ભવ્ય આતશબાજી તેમજ ભૂદેવ દ્વારા શાષાોક્ત વિધિથી પૂજન વિધિ બાદ હોલિકા દહન ડીજેના તાલે હોળીના ગીતોથી થશે. તો દરેક ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને પધારવા માધવ ગૌ સેવા ટ્રસ્ટ ધોરાજી હાર્દિક આમંત્રણ પાઠવે છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : ગિરનાર અંબાજી ટૂંક પર હોળી પ્રાગટય બાદ આજે સાંજે જૂનાગઢમાં ૨૦૦ સ્થળે હોલિકા દહન થશે. જેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સંધ્યા આરતી બાદ ગિરનાર પર્વત અંબાજી મંદિર પાસે હોળીનું પ્રાગટય થશે. ૫૦૦ થી વધુ શ્રીફળ ઉપરાંત ઉમરો, લીમડો ચંદન વિવિધ પ્રકારના લાકડા દ્વારા હોળીનું પ્રાગટય કરવામાં આવશે.અંબાજી મંદિરે હોળી પ્રાગટય થયા પછી શહેરમાં તમામ હોળીનો પ્રાગટય થશે. એ અગાઉ શહેરના અનેક વિસ્તારોમાં યુવાનો દ્વારા વ્યસન મુક્તિના સંદેશા સાથે વાલમ બાપાની નનામી કાઢવામાં આવશે આબેહૂબ ઠાઠડી જેવી વાસડા અને ઘાસથી બનાવેલી લાલ કપડું ઓઢાળેલી નનામી જેવી વાલમ બાપાની ઠાઠડી તૈયાર કરવામાં આવશે ઢોલ નગારાના તાલ સાથે ડાઘુઓ નનામી ઉપાડી અને આગળ દોણી સાથે ચાલતા ચાલતા સ્મશાન ગળહે હોય તેવા દ્રશ્યો સર્જીને કોણ મરી ગયું? વાલમ બાપા કેમ કરતા મરી ગયા? બીડી પીતા જેવા સૂત્રોચાર સાથે વિવિધ વિસ્તારોમાં ફરી વ્યસન મુક્તિનો મનોરંજન સામાજિક એકતાનો સંદેશો પાઠવી હોળીની ઉજવણી કરવામાં આવશે.
હોળી પડવા ઉપરાંત રમજાન માસ પણ ચાલી રહ્યો હોવાથી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે તેમજ હોળીનું પ્રાગટય હોય એવા વિસ્તારોમાં ૧૦૦થી વધુ પોલીસની ટીમનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
