News of Tuesday, 3rd March 2026
રફાળેશ્વરમાં ભંગારના ડેલામાં લાગેલી આગ પર ૩ કલાક બાદ કાબુ મેળવાયો: મોટી જાનહાની ટળી
રાત્રિના અંધકારમાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી દેખાતા ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યા હતા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં આવેલા રફાળેશ્વર ગામના રહેણાંક વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક પ્લાસ્ટિકના ભંગારના ડેલામાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. રાત્રિના અંધકારમાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી દેખાતા ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે રાત્રે ૯ વાગ્યાની આસપાસ રફાળેશ્વર ગામની મધ્યમાં આવેલા પ્લાસ્ટિકના ભંગારના ડેલામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ડેલો રહેણાંક મકાનોની બિલકુલ નજીક હોવાથી સાવચેતીના ભાગરૂપે આજુબાજુના 10 જેટલા પરિવારોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ડેલામાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
આ ભયાનક આગમાં મોટી હોનારત થતા રહી ગઈ હતી. ડેલામાં પ્લાસ્ટિકના જથ્થાની સાથે કોમ્પ્રેસર અને ગેસના સિલિન્ડર પણ પડ્યા હતા. જોકે, સ્થાનિકોએ સમયસૂચકતા અને સાહસ દાખવીને આગની જ્વાળાઓ વચ્ચેથી ત્રણ ગેસ સિલિન્ડર બહાર કાઢી લીધા હતા. જો સિલિન્ડર બ્લાસ્ટ થયો હોત તો આખું ગામ ધ્રુજી ઉઠત અને મોટી જાનહાનિ થઈ હોત. ફાયર વિભાગના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને 3 કલાકથી વધુ સમયની ભારે જહેમત બાદ મધરાતે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
