<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

સરકારી કામગીરીમાં વિલંબથી મંત્રી કુંવરજીભાઈ કાળઝાળ : મંચ પરથી જ અધિકારીઓનો ઉધડો લીધોઃ આપ્‍યું અલ્‍ટીમેટમ

ચાલુ સભામાં તલાટી મંત્રીને ઊભા કરી મંત્રી બાવળિયાએ ચેતવણી આપતા કહ્યું કે,તલાટી મંત્રીને જો બીજા કોઈ કામમાં રસ હોય તો તે બંધ કરી દેજો, આ પદ સેવા કરવા માટે છે, મેં ૧૫ દિવસ પહેલા જ યાદી આપી હતી, છતાં કામ કેમ નથી થયું?

રાજકોટઃ જસદણના આટકોટ ખાતે આયોજિત આટકોટ-ચિતલિયા રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું અત્‍યંત આકરું વલણ જોવા મળ્‍યું હતું. સરકારી કામગીરીમાં થતી અનધિકળત વિલંબ અને અધિકારીઓની શિથિલતા જોઈને મંત્રીએ મંચ પરથી જ ડેપ્‍યુટી ડીડીઓ, ટીડીઓ, મામલતદાર અને તલાટી મંત્રીનો ઉધડો લીધો હતો.

છેલ્લા છ મહિનાથી ગામતળના ૧૦૦ ચોરસ વારના પ્‍લોટ ફાળવવાની પ્રક્રિયામાં થઈ રહેલી ઢીલી કામગીરીને લઈને મંત્રી ભારે રોષે ભરાયા હતા. તેમણે સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું હતું કે ગરીબોના હિતની કામગીરીમાં આટલો લાંબો સમય કેમ લાગે? મંત્રીએ સભા દરમિયાન જ અધિકારીઓને કડક અલ્‍ટિમેટમ આપતા કહ્યું કે, ચૂંટણી પહેલાં અને આગામી ૮ થી ૧૦ દિવસમાં મારે આ કામનું સચોટ પરિણામ જોઈએ.

ચાલુ સભામાં તલાટી મંત્રીને ઊભા કરી મંત્રી બાવળિયાએ સણસણતો પ્રહાર કર્યો હતો. તેમણે ચેતવણી આપતા કહ્યું કે,તલાટી મંત્રીને જો બીજા કોઈ કામમાં રસ હોય તો તે બંધ કરી દેજો, આ પદ સેવા કરવા માટે છે. મેં ૧૫ દિવસ પહેલા જ યાદી આપી હતી, છતાં કામ કેમ નથી થયું? કોઈ એકબીજા પર ટોપી પહેરાવવાની વાત ન કરતા.

મંત્રીએ અંતમાં ખુલ્લી ચેતવણી આપતા જણાવ્‍યું હતું કે જો નિર્ધારિત સમય મર્યાદામાં પ્‍લોટ ફાળવણીનું પરિણામ નહીં આવે તો તલાટી મંત્રી સહિતના તમામ જવાબદાર અધિકારીઓ ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે. મંત્રીના આ આક્રમક તેવરને જોઈને હાજર રહેલા અધિકારીઓમાં ફફડાટ વ્‍યાપી ગયો હતો. 

ધુળેટી પર્વ નિમિત્તે કાલે અંક બંધ

હોળી ધુળેટી પર્વે અકિલા કાર્યાલય રજા રાખતું હોય, આવતી કાલે તા. ૪ માર્ચના બુધવારે રજા રહેશે. અંક પ્રસિદ્ધ થશે નહીં જેની વિજ્ઞાપનદાતાઓ, વાંચકમિત્રો અને એજન્‍ટમિત્રોએ નોંધ લેવા વિનંતી

             વ્‍યવસ્‍થાપક

(10:38 AM IST)